ભારતમાં 26 જાન્યુઆરીની ઉજવણી પૂર્વે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં રેલવે ટ્રેક પર મોડી રાત્રે એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ધડાકાને કારણે રેલવે ટ્રેકના ફુરચા ઊડી ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’ (KZF)એ સ્વીકારી છે. સંગઠનના વડા રણજીત સિંહ નીટાના હસ્તાક્ષરવાળી એક નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં આ વિસ્ફોટને માત્ર એક ‘ટ્રેલર’ ગણાવવામાં આવ્યું છે.

આ તો માત્ર ટ્રેલર હતું, આરામથી નહીં બેસવા દઈએ : આતંકી નીટા
પાકિસ્તાનથી કાર્યરત આતંકી રણજીત સિંહ નીટાએ વાયરલ નોટમાં ભારત સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેણે લખ્યું છે કે, ‘આ વિસ્ફોટ અમે પેસેન્જર ટ્રેનમાં પણ કરી શક્યા હોત, પરંતુ અમારો ઈરાદો જાનહાનિ કરવાનો નથી. આ સરકાર માટે એક ચેતવણી છે. ખાલિસ્તાનની અમારી માંગ પહેલા પણ હતી અને આગળ પણ રહેશે. અમે શાંતિથી બેઠા નથી અને બેસવા પણ નહીં દઈએ. ખાલિસ્તાન ન બને ત્યાં સુધી અમારો સંઘર્ષ અને આવા એક્શન ચાલુ રહેશે.
’DIGએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને જોતા રોપડ રેન્જના ડીઆઈજી નાનક સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમે નમૂના લઈ તપાસ શરૂ કરી છે. જોકે, ડીઆઈજીએ હાલમાં આને સીધો આતંકી હુમલો ગણવાનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે અને પોલીસ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરાવા એકત્ર કરી રહી છે. તપાસ બાદ જ આતંકી કાવતરા અંગે સ્પષ્ટતા થશે.’ હાલ ક્ષતિગ્રસ્ત ટ્રેકની મરામત કરી રેલ વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

