ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પબજી ગેમની લતેએક યુવકનો જીવ લઈ લીધો છે. ખૈરનગર ગૂલર વાળી ગલીમાં રહેતા પ્રોપર્ટી ડીલર ફારુકનો 22 વર્ષીય પુત્ર મોહમ્મદ કૈફ શુક્રવારે રાત્રે હેડફોન લગાવીને મોબાઈલ પર પબજી ગેમ રમી રહ્યો હતો.

મોડી રાત્રે બ્લડ પ્રેશર 300ને પાર
પરિજનોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે ગેમ રમતા રમતા કૈફ પલંગ પરથી નીચે પડી ગયો હતો. જ્યારે પરિવારજનોએ તેને જોયો અને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે તેનું બ્લડ પ્રેશર 300ને પાર પહોંચી ગયું હતું. ડોકટરોએ તેની ગંભીર હાલત જોતા તેને તાત્કાલિક દિલ્હીની હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જોકે, બે દિવસની સારવાર છતાં રવિવારે સવારે કૈફનું દુઃખદ અવસાન થયું હતું. ડોકટરોએ બ્લડ પ્રેશર અતિશય વધી જવાને કારણે મગજની નસ ફાટવી એ મોતનું કારણ જણાવ્યું હતું.
ગેમની લતે પરિવારનો ચિરાગ બુઝાવ્યો
કૈફના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે તે પરિવારનો એકમાત્ર પુત્ર હતો. કૈફના જીજા શાહિદે જણાવ્યું કે કૈફ છેલ્લા ચાર મહિનાથી મોબાઈલ પર ઓનલાઈન ગેમ્સ રમવાનો શોખીન બની ગયો હતો. અગાઉ તે રીલ્સ બનાવતો હતો, પરંતુ બાદમાં તેને પબજી ગેમની જીવલેણ લત લાગી હતી. પિતા ફારુકે કહ્યું કે કૈફ રાત-રાતભર મોબાઈલ પર પબજી ગેમ રમતો હતો અને ઘણીવાર મના કરવા છતાં તે માનતો નહોતો. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન ગેમ્સની ઘાતક અસરો પર ગંભીર ચિંતા ઉભી કરી છે.

