જમ્મુ કાશ્મીરમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પહેલા પાકિસ્તાનના મોટા કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનથી આવેલા એક ડ્રોને જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હથિયારો ફેક્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારોમાં ચીનનો એક ગ્રેનેડ પણ મળી આવ્યો છે.

સુરક્ષાદળોની ટીમે રાજપુરા વિસ્તારના પાલૂરા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આ સર્ચ ઓપરેશન દરમિયાન એક પેકેટ મળ્યું હતું, આ પેકેટમાં એક ચીની એચઇ ગ્રેનેડ, ૯ એમએમ કારતૂસ સાથે ૧૬ રાઉન્ડ, એક મેગઝીનની સાથે એક ગ્લોક પિસ્તોલ અને બે મેગઝિન વગેરે મળી આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટેના આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના જ સાંબા જિલ્લાના ઘગવાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સુરક્ષાદળોએ હથિયારો સહિતની વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી, આ વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું તે બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ હથિયારો સહિતની જોખમકારક સામગ્રી મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

