NATIONAL : પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા

0
58
meetarticle

ભારત તેની સરકારી બેન્કોમાં વિદેશી રોકાણની મર્યાદા હાલના ૨૦ ટકાથી વધારી ૪૯ ટકા સુધી કરવાનું આયોજન કરી રહ્યું છે, એમઆ નીતિગત હિલચાલ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. નાણા મંત્રાલય આ મુદ્દે છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી રહ્યું છે. જો કે હજી સુધી આ માટેની દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. 

ભારતની બેન્કોમાં વિદેશી રોકાણકારોનો રસ વધ્યો છે. દુબઈ સ્થિત એમિરેટ્સ એનબીડીએ  તાજેતરમાં જ આરબીએલ બેન્કમાં ત્રણ અબજ ડોલરમાં ૬૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. તેના પહેલા જાપાનની સુમિતોમો મિત્સુઈએ યસ બેન્કમાં ૧.૬ અબજ ડોલરમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના થોડા સમય પછી આ હિસ્સો પાંચ ટકા વધારીને ૨૫ ટકા કર્યો છે.

આ બતાવે છે કે વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં કેટલો રસ છે. સરકારી બેન્કોને પણ હવે વિદેશી રોકાણકારોમાં રસ પડયો છે. તેઓને તેમા નાણા મેળવવાનો માર્ગ દેખાઈ રહ્યો છે. વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવતા પીએસયુ બેન્કોને પણ મોટાપાયા પર ભંડોળ મળી શકે છે. તેની સાથે સરકાર પરનું તેનું અવલંબન પણ ઘટી શકે છે. 

હાલમાં સરકારી બેન્કોમાં વિદેશી રોકાણકારોના રોકાણ પર ૨૦ ટકાની ટોચમર્યાદા છે. સરકારી બેન્કો અને ખાનગી બેન્કોમાં વિદેશી રોકાણને લઈને જે તફાવત છે તે દૂર કરવાની દિશામાં આ પગલું લેવામાં આવી રહ્યુ છે. ખાનગી બેન્કોમાં ૭૪ ટકા સુધીના વિદેશી રોકાણની છૂટ છે. તેથી સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ મર્યાદા ૪૯ ટકા સુધી લાવવામાં આવે તો આ તફાવત દૂર થશે.

ભારતમાં ૧૨ સરકારી બેન્કો છે અને ૩૧ માર્ચ ૨૦૨૫ના અંતે તેની સંપત્તિ ૧૭૧ લાખ કરોડ રૂપિયા હતી. તે બેન્કિંગ સેક્ટરની કુલ સંપત્તિનો  ૫૫ ટકા હિસ્સો થાય છે. સરકાર પીએસયુ બેન્કોમાં ૫૧ ટકાનું લઘુત્તમ શેરહોલ્ડિંગ જાળવી રાખવાનું આયોજન ધરાવે છે. હાલમાં તો બધી ૧૨ પીએસયુ બેન્કમાં સરકારનો હિસ્સો સૌથી વધુ છે. આ સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ જોઈએ તો કેનેરા બેન્કમાં સૌથી વધુ ૧૨ ટકા અને યુકો બેન્કમાં ઝીરો ટકા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here