પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને નેપાળમાં જનરેશન ઝેડના આંદોલનની યાદ અપાવી હતી. સુપ્રીમના નિવૃત થવા જઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇની બેંચે અરજદારને કહ્યું હતું કે નેપાળમાં જ્યારે સરકાર દ્વારા કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે શું થયું હતું તે જુઓ. જોકે સુપ્રીમે આ સાથે જ અરજીની સુનાવણી ચાર સપ્તાહ સુધી મુલતવી રાખી હતી.

પોર્નોગ્રાફી પર પ્રતિબંધની માગણી કરતી અરજીમાં અરજદારે એવી દલીલ કરી હતી કે પોર્નોગ્રાફી કોઇ જોઇ જ ના શકે તે માટે પ્રતિબંધો મુકવા જોઇએ, કેન્દ્ર સરકાર દ્વારા આ માટે એક રાષ્ટ્રીય સ્તરની નીતિ તૈયાર કરવી જોઇએ. જે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવે.
હાલમાં ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી બહુ જ સરળતાથી મળી રહે છે જેને અટકાવવામાં આવે. પોર્નોગ્રાફી જોવાની વ્યક્તિગત અને સમાજ પર માઠી અસર પડે છે. ખાસ કરીને ૧૩થી ૧૮ વર્ષના યુવકો તેનો ભોગ બને છે.
બાદમાં સુપ્રીમ કોર્ટની બેંચે પ્રતિબંધોની માગણી કરનારા અરજદારને કહ્યું હતું કે નેપાળમાં સરકાર દ્વારા પ્રતિબંધો મુકવામાં આવ્યા ત્યારે શું થયું હતું તમને ખ્યાલ હશે. અમે આ અરજીની સુનાવણી કરવાની ના નથી પાડી રહ્યા. હાલમાં સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહ બાદ આ મુદ્દે સુનાવણી કરીશું તેમ કહ્યું હતું. નોંધનીય છે કે નેપાળમાં સરકાર દ્વારા ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જેને પગલે ભડકેલા યુવાનોએ આખુ નેપાળ ભડકે બાળ્યું હતું અને ઓલી સરકારને જ ઉખાડી ફેંકી હતી. નેપાળની તાજેતરની આ ચળવળને જેન ઝેડ કહેવામાં આવે છે. કેમ કે તેમાં જોડાનારા તમામ યુવા વયના હતા જેને જેન ઝેડ તરીકે ઓળખવામાં આવે છે.

