NATIONAL : પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

0
19
meetarticle

દેશમાં અંતે ચૂંટણી પંચે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, પાંચ રાજ્યોમાં એપ્રિલમાં મતદાન થશે અને મે મહિનામાં પરિણામો જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં ૩૫ વર્ષ પછી પહેલી વખત માત્ર બે તબક્કામાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થશે જ્યારે બાકીના ચારેય રાજ્યોમાં એક જ તબક્કામાં ૯ અને ૨૩ એપ્રિલે મતદાન થશે. આ બધા જ રાજ્યોના પરિણામ એક સાથે ૪ મેના રોજ જાહેર કરાશે. આ સાથે ૨૦ દિવસમાં પાંચ રાજ્યોના કુલ ૧૭.૪ કરોડ મતદારો કુલ ૮૨૪ ધારાસભ્યોની પસંદગી કરશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે દિલ્હીમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા બધા જ રાજકીય પક્ષોના સૂચનો મેળવાયા હતા. પાંચ રાજ્યોમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. ૨૦૨૧માં લગભગ એક મહિનો ચાલેલા મતદાનમાં આઠ દિવસ મતદાન થયું હતું જ્યારે આ વખતે ૨૦ દિવસમાં પાંચ રાજ્યોમાં માત્ર ત્રણ દિવસ મતદાન થશે. આસામમાં ભાજપ સત્તા જાળવી રાખવા કટીબદ્ધ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, તમિલનાડુમાં ડીએમકે અને કેરળમાં ડાબેરીઓ સત્તા પર છે. પુડુચેરીમાં એનડીએના ભાગીદાર ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસનું શાસન છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની થઈ રહી છે, જ્યાં ૩૫ વર્ષ પછી પહેલી વખત માત્ર બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં પાંચ કે છ તબક્કામાં મતદાન થતું હતું. ૨૦૨૧માં આઠ તબક્કામાં મતદાન થયું હતું જ્યારે આ વખતે માત્ર બે તબક્કામાં મતદાન હાથ ધરાશે. પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં સૌથી છેલ્લે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન થશે અને ૪ મેના રોજ મતગણતરી હાથ ધરાશે. પાંચ રાજ્યોમાં સૌથી પહેલા અસમ, કેરળમ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે જ્યારે દ્રમુક શાસિત તમિલનાડુમાં ૨૩ એપ્રિલે વોટિંગ થશે.

પાંચ રાજ્યોની વિધાનસભામાં કુલ ૧૭.૪ કરોડ મતદારો ૮૨૪ ધારાસભ્યોની પસંદગી કરશે, જેમાં પશ્ચિમ બંગાળમાં ૬.૪ કરોડ, તમિલનાડુમાં ૫.૬૭ કરોડ, કેરળમાં ૨.૭ કરોડ, અસમમાં ૨.૫ કરોડ અને પુડુચેરીમાં ૯.૪૪ લાખ મતદારોનો સમાવેશ થાય છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અન્ય બે ચૂંટણી કમિશનરો સુખબિર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ઉપસ્થિત હતા. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે પાંચ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.

પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૨૯૪ વિધાનસભા બેઠકો છે જ્યાં મમતા બેનરજીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ ૨૦૧૧થી સત્તા પર છે. પશ્ચિમ બંગાળમાં ૧૫૨ બેઠકો પર પહેલા તબક્કામાં ૨૩ એપ્રિલે જ્યારે ૧૪૨ બેઠકો પર બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે. ત્યાર પછી ૨૩૪ વિધાનસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં ૨૦૨૧થી એમકે સ્ટાલિનનું શાસન છે.

કેરળમમાં ૧૪૦ બેઠકો પર ચૂંટણી થશે જ્યાં ડાબેરી નેતા પિનરાયી વિજયન ૨૦૧૬થી મુખ્યમંત્રી છે. આસામમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર ચૂંટણી થશે જ્યાં ૨૦૧૬થી ભાજપના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું શાસન છે. પાંચ રાજ્યોમાં સૌથી નાની ૩૦ બેઠકોની વિધાનસભા પુડુચેરીમાં ૨૦૨૧થી મુખ્યમંત્રી એન. રંગસામીનું શાસન છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓમાં મતદાન પૂરું થયા પછી વોટર ટર્નઆઉટના ડેટા સામે વિપક્ષ દ્વારા મોટાપાયે સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાથી આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ત્યેક મતદાન મથક પર પ્રત્યેક બે કલાકે વોટર ટર્નઆઉટનો ડેટા અપલોડ કરાશે અને મતદાન પૂરું થવા પછી તાત્કાલિક આ આંકડા જાહેર કરાશે. પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં ૭ મે, તમિલનાડુમાં ૧૦ મે, આસામમાં ૨૦ મે, કેરળમાં ૨૩ મે અને પુડુચેરીમાં ૧૫ જૂનના રોજ વર્તમાન વિધાનસભાના કાર્યકાળ પૂરા થઈ રહ્યા છે.

ચૂંટણીનો કાર્યક્રમ

રાજ્ય

મતદાન

બેઠકો

પ.બંગાળ

૨૩, ૨૯ એપ્રિલ

૨૯૪

તમિલનાડુ

૨૩ એપ્રિલ

૨૩૪

કેરળ

૯ એપ્રિલ

૧૪૦

અસમ

૯ એપ્રિલ

૧૨૬

પુડુચેરી

૯ એપ્રિલ

૩૦

— છ રાજ્યોની ૮ વિધાનસભા બેઠકો પર ૯ અને ૨૩ એપ્રિલે પેટા ચૂંટણી

નવી દિલ્હી: ચૂંટણી પંચે રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે છ રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પાંચ વિધાનસભા બેઠકો પર ૯ એપ્રિલે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ વિધાનસભા બેઠકો પર ૨૩ એપ્રિલે પેટા ચૂંટણી યોજાશે. આ બધી જ આઠ વિધાનસભા બેઠકોના પરિણામ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે ૪ મેના રોજ જાહેર કરાશે. આ આઠ બેઠકોના સિટિંગ એમએલએના નિધનના કારણે આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. આ બેઠકોમાં ગોવામાં પોન્ડા, કર્ણાટકમાં બગલકોટ અને દેવનાગરે દક્ષિણ, નાગાલેન્ડમાં કોરિડાન્ગ, ત્રિપુરામાં ધરમનગર, ગુજરાતમાં ઉમરેઠ અને મહારાષ્ટ્રમાં રાહુરી તથા બારામતિનો સમાવેશ થાય છે.

  • ઓછા તબક્કાના મતદાનથી ભાજપને વધુ લાભ

બંગાળમાં બે તબક્કામાં મતદાનથી મમતા સરકાર ટેન્શનમાં મુકાશે?

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. લગભગ ત્રણ દાયકા કરતા વધુ સમયથી પશ્ચિમ બંગાળમાં છથી આઠ તબક્કામાં મતદાન થતું હતું ત્યારે આ વખતે માત્ર બે તબક્કામાં મતદાન થવાથી મમતા સરકારની મુશ્કેલી વધે તેવી આશંકા છે. છેલ્લા કેટલાક વિધાનસભા ચૂંટણીના પરિણામો એવા સંકેત આપે છે કે ઓછા તબક્કાના મતદાનમાં ભાજપને વધુ લાભ થયો હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

રાજકીય નિષ્ણાતોએ કહ્યું કે, ચૂંટણી પંચ ‘એક દેશ એક ચૂંટણી’ની દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. ઝારખંડમાં ૨૦૨૪માં, ૨૦૨૫માં બિહારમાં માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાઈ હતી. હવે બંગાળમાં પણ માત્ર બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. ઓછા સમયમાં ચૂંટણી થવાથી વિપક્ષને તેની સરકાર વિરોધી ચૂંટણી લહેર જાળવી રાખવામાં મદદ મળી શકે છે, જે લાંબા સમયની ચૂંટણીમાં વિખેરાઈ જતી હોય છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં પહેલા બે તબક્કામાં ભાજપને ફાયદો થયો હતો, પરંતુ બાકીના પાંચ તબક્કામાં ટીએમસીને લાભ મળ્યો હતો. વધુમાં ભાજપ પાસે સ્ટાર પ્રચારકોની આખી ફોજ છે, જેમાં પીએમ મોદીથી લઈને અમિત શાહ સહિત અનેક મોટા નેતાનો સમાવેશ થાય છે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસ પાસે માત્ર મમતા બેનરજી જ મુખ્ય ચહેરો છે, જેમના નામે પક્ષને વોટ મળે છે. આમ મમતા બેનરજી માટે ટૂંકા સમયમાં બધી જ ૨૯૪ બેઠકો પર રેલીઓ કરવી પડકારજનક બની રહેશે.

જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં બે કે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાની માગણી રાજકીય પક્ષોએ જ કરી હતી. તેમની દલીલ હતી કે લાંબા તબક્કામાં ચૂંટણી કરાવવાથી ચૂંટણી હિંસા વધે છે. આ સમયમાં અસામાજિક તત્વોને એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવાનો સમય મળી જાય છે. ઓછા તબક્કામાં મતદાન થવાથી ચૂંટણી હિંસા ઘટી શકે છે. આમ, રાજકીય પક્ષોની માગણીને ધ્યાનમાં રાખીને જ પશ્ચિમ બંગાળમાં માત્ર બે તબક્કામાં ચૂંટણીનો નિર્ણય લેવાયો છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું.

  • મમતા બેનરજી માટે ઓછા સમયમાં બધી જ ૨૯૪ બેઠકો પર રેલી કરવી પડકારજનક રહેશે
  • પાંચ રાજ્યોમાં ૨,૧૮,૮૦૭ મથકો પર મતદાન થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારે આ પાંચ રાજ્યોમાં કુલ ૨,૧૮,૮૦૭ મતદાન મથકો પર વોટિંગ થશે. આ ચૂંટણી માટે કુલ ૨૫ લાખ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરાયા છે, જેમાં ૧૫ લાખ મતદાન કર્મચારી, ૮.૫ લાખ સુરક્ષા જવાનો, મતદાન માટે ૪૯,૦૦૦ માઈક્રો ઓબ્ઝર્વર્સ, ૧,૪૪૪ નિરીક્ષકો, ૪૦,૦૦૦ મતગણતરી અધિકારીઓ, ૨૧,૦૦૦ સેક્ટર અધિકારીઓ અને મતગણતરી માટે ૧૫,૦૦૦ માઈક્રો ઓબ્ઝર્વર્સનો સમાવેશ થાય છે.

  • મહાભિયોગ અંગે જ્ઞાનેશ કુમારે જવાબ આપવાનું ટાળ્યું

નવી દિલ્હી: ચૂંટણી પંચે રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના વિરુદ્ધ થયેલી મહાભિયોગની અરજી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની અરજી કરી છે. જોકે, મહાભિયોગ અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળતા સીઈસીએ કહ્યું, રાજકીય નેતાઓ, પક્ષોના નિવેદનો અંગે અમે કોઈપણ વાતચીતમાં જોડાવા નથી માગતા.

આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા કેટલીક સરકારોના નિર્ણયો અંગે હું પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છું કે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજ્ય અને કેન્દ્ર સરકારો તેમના વિવેકથી તેમને યોગ્ય લાગે તેમ કોઈપણ નીતિગત અને અન્ય નિર્ણયો લઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here