બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ૨૩ વર્ષના હિન્દુ યુવક ચંચલ ચંદ્ર ભૌમિકની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. એવા અહેવાલો છે કે ચંચલને ગેરેજની અંદર જીવતો સળગાવીને મારી નાખવામાં આવ્યો છે. જે ગેરેજમાં તેનો મૃતદેહ મળી આવ્યો ત્યાં જ તે કામ કરતો અને રહેતો હતો. હિન્દુને જીવતા સળગાવીને મારી નાખવાની બે મહિનામાં આ બીજી ઘટના છે.

પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ ચંચલ મૂળ બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાના લક્ષ્મીપુર ગામનો રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષથી તે નરસિંહ વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રે ચંચલ ગેરેજની અંદર ઉંઘી રહ્યો હતો તે સમયે જ ગેરેજના શટર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી. એક શખ્સ ગેરેજના શટર પર આગ લગાવી રહ્યો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
બાદમાં આ આગ ગેરેજની અંદર ફેલાઇ જાય છે. એક કલાક સુધીની મહેનત બાદ આ આગને કાબુ કરવામાં આવી હતી. ગેરેજની અંદરથી ચંચલનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.
કેટલાક સ્થાનિકોનો દાવો છે કે ચંચલ લાંબા સમય સુધી આગ સામે લડતો રહ્યો, બહુ જ કમકમાટીભર્યું તેનું મોત થયું. પરિવારે પણ આ ઘટનાને પૂર્વાયોજિત હત્યા ગણાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સ્થાનિક હિન્દુ નેતાઓએ જણાવ્યું છે કે આ હત્યાકાંડના દોષિતોની તાત્કાલીક ધરપકડ કરી તેને સજા આપવામાં આવે.

