બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર હવે અત્યંત વરવુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કટ્ટરવાદીઓ હિન્દુઓના લોહીના તરસ્યા બન્યા હોય તેમ નિર્દયતાપૂર્વક હત્યા કરી રહ્યા છે. હવે બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા સાથે બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. આ હિન્દુ વિધવા પર બળાત્કાર ગુઝાર્યા બાદ તેને વૃક્ષ સાથે બાંધી દીધી અને પછી તેના વાળ કાપવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુની હત્યા કરીને ટોળા દ્વારા વૃક્ષ સાથે બાંધીને મૃતદેહ સળગાવાયો, અન્ય એક હિન્દુને માર મારી પેટ્રોલ છાંટીને જીવતો સળગાવાયો, જ્યારે એક હિન્દુ સૈનિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તાજેતરમાં તમામ પીડિતો માત્ર પુરુષ હતા હવે હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ગુઝારવામાં આવી રહ્યો છે. એક ૪૦ વર્ષીય હિન્દુ વિધવા મહિલાની સાથે બળાત્કાર ગુઝારવામાં આવ્યો, બાદમાં તેને એક વૃક્ષ સાથે બાંધી દેવામાં આવી અને પછી તેના વાળ કાપી નાખવામાં આવ્યા, આ ઘટના બાંગ્લાદેશના ઝૈનેદાહ જિલ્લાના કાલિગંજ વિસ્તારની છે. નરાધમોને કાયદો અને વ્યવસ્થાનો કોઇ ડર ના હોય તેમ પોતાના આ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરવામાં આવ્યો. આવુ કરીને અન્ય હિન્દુ મહિલાઓમાં કટ્ટરવાદીઓ ભય ફેલાવવાનો પ્રયાસ પણ કરતા જોવા મળ્યા.

આ અત્યાચાર બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી જેને પગલે બાદમાં તેને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલ ગંભીર હાલતમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે બાંગ્લાદેશના જેસ્સોરના મનીરામપુરમાં પણ વધુ એક હિન્દુ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. રાણા પ્રતાપ નામના ૪૫ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગવાને કારણે પ્રતાપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે, હવે દરરોજ આવા અત્યાચારો થઇ રહ્યાની ઘટનાઓ સામે આવવા લાગી છે. જેને પગલે હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે. હત્યાની ખાતરી કરતા સ્થાનિક પોલીસ અધિકારી રાજીઉલ્લાહ ખાને કહ્યું હતું કે અમે હાલ સ્થળ પર હાજર છીએ. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

