બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેઓ SKMCH (શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ)માં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. હાલમાં, મૃત્યુઆંક વધવાની આશંકા છે.
સ્થાનિક સુત્રો પાસેથી માહિતી અનુસાર, આગ ગેના સાહના ઘરમાં લાગી હતી અને તેમાં તેમનો આખો પરિવાર દાઝી ગયો હતો. ઘાયલોને રાતોરાત SKMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીએસપી વેસ્ટ સુચિત્રા કુમારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

મોતીપુર નગર પરિષદ ક્ષેત્રના વોર્ડ 13માં, ગેના સાહના ઘરમાં વીજળીના શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. રાત્રે પરિવારના બધા સભ્યો ઘરમાં સૂતા હતા. આગ લાગી તેની કોઈને જાણ ન થઈ. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ, આગની ગતિ એટલી તીવ્ર હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. પડોશીઓએ ધુમાડો અને આગની લપેટો જોઈને બૂમાબૂમ કરી અને પરિવારને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધીમાં બચાવ શક્ય નહોતો. અંદર ફસાયેલા લોકો બહાર નીકળી શક્યા નહીં.
અહેવાલ મુજબ, મૃતકોમાં બે બાળકો, તેમના માતા-પિતા અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.
માહિતી મળતાં જ મોતીપુર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો અને દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા. ત્યાં સુધીમાં પાંચ લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. ડીએમ સુબ્રત કુમાર સેને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

