બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં શરમજનક હાર થયા બાદ કોંગ્રેસે ગુરૂવારે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા બે ઉમેદવારો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ અને એક ઉમેદવારે બીજાને મોંમાં ગોળી મારવા સુધીની વાત કરી નાખી. આ ઘટના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બેઠકમાં પહોંચતા પહેલા બની. જોકે, પાર્ટી દ્વારા આ અંગે કોઈ નિવેદન અપાયું નથી.

બિહાર ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કોંગ્રેસ નવી દિલ્હી ખાતે ઇન્દિરા ભવનમાં પાર્ટીના તમામ 61 ઉમેદવારો અને રાજ્યોના વરિષ્ઠ નેતાઓને બોલાવ્યા હતા. બેઠકમાં થયેલા હોબાળા બાદ પટનાથી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની ટિકિટ પર વૈશાલી બેઠકથી ચૂંટણી લડેલા એન્જિનિયર સંજીવ અને પૂર્ણિયાથી ઉમેદવાર રહેલા જિતેન્દ્ર યાદવ વચ્ચે સમીક્ષા બેઠકમાં ભારે સંઘર્ષ થયો. પછી ત્યાં હાજર વરિષ્ઠ નેતાઓએ મામલો થાળે પાડ્યો હતો.કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, એન્જિનિયર સંજીવે સમીક્ષા બેઠકમાં બહારના ઉમેદવારોને ટિકિટ આપવાના કારણે હાર થઈ હોવાનું કારણ આપ્યું હતું. જેનો જિતેન્દ્ર યાદવે વિરોધ કર્યો હતો. જેના પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એકબીજાને અપશબ્દો કહેવા લાગ્યા. પછી સંજીવે જિતેન્દ્રને મોંમાં ગોળી મારવાની ધમકી આપી દીધી.
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના બેઠકમાં પહોંચતા પહેલા આ હોબાળો થતા નેતાઓ હચમચી ગયા હતા. પછી સાંસદ તારિક અનવરે સંજીવ અને જિતેન્દ્રને ચૂપ રહેવાની સલાહ આપી. તેમણે આકરા વલણમાં કહ્યું કે, લોકો આવતા જતા રહે છે, પરંતુ આ રીતની અનુશાસનહીનતા સહન કરવામાં આવશે નહીં.
બેઠકમાં થઈ ઉગ્ર બોલાચાલી
સમીક્ષા બેઠકમાં ઉમેદવારોએ કોંગ્રેસ પ્રમુખ ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલને જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા એનડીએ સરકાર દ્વારા મહિલાઓને 10,000 રૂપિયાનું ટ્રાન્સફર, ગઠબંધન બનાવવામાં વિલંબ અને અનેક તબક્કામાં ‘ચૂંટણી ગડબડ’ હારના મુખ્ય કારણો હતા. નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીમાં નામ કાઢી નાખવા અને ઉમેરવાની પ્રક્રિયા શંકાસ્પદ હતી, અને ઘણી બેઠકો પર પરિણામો સમાન હતા, જે પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.

