લંડનના ભારતીય હાઈ કમિશન નજીક મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીના બે દિવસ પહેલા બની હતી. અજાણ્યા શખસોએ ટેવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીજીની પ્રતિમામાં તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.

ઘટનાને લઈને તપાસ શરૂ
અહેવાલો અનુસાર, લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની ધ્યાનસ્થ મુદ્રામાં પ્રતિમા છે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યાનુસાર, મહાત્મા ગાંધીની પ્રતિમામાં તોડફોડ કરવાની ઘટનાઓની સખત નિંદા થવી જોઈએ. આ કોઈ નાનું કૃત્ય નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય અહિંસા બે દિવસ પહેલા અહિંસાના ઉપાસક મહાત્મા ગાંધીજીની વિરાસત પર હુમલો છે. તાત્કાલિક કાર્યવાહી માટે સ્થાનિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાઈ કમિશનની એક ટીમ પણ પ્રતિમાના સમારકામ માટે ઘટનાસ્થળે અધિકારીઓ સાથે કામ કરી રહી છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ હુમલાખોરને શોધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રએ ગાંધી જયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કરી છે. દર વર્ષે બીજી ઓક્ટોબરના રોજ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. ઈન્ડિયા લીગના સહયોગથી બનેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ 1968માં કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા નજીકની યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે મહાત્મા ગાંધીના દિવસોની યાદ અપાવે છે.

