ઉત્તર પ્રદેશનાં સંભલની મુસ્લીમ મહિલા તમન્ના મલિકે ભગવાન શંકર પ્રત્યેની તેની શ્રધ્ધા દર્શાવી છે. પોતાની માનતા પૂરી થતાં તે હરિદ્વારથી કાવડ યાત્રા કરી સંભલ પહોંચી ભગવાન ભોળાનાથ ઉપર ગંગાજળથી જલાભિષેક કર્યો. તમન્નાને પોલીસ અને પ્રશાસને સંપૂર્ણ સલામતી આપી હતી ત્યાં સેંકડો શ્રધ્ધાળુઓએ તેનું પુષ્પ વૃષ્ટિ દ્વારા સ્વાગત કર્યું હતું. તે કહે છે કે તે કોઈ કટ્ટરપંથી વિચારધારોને માનતી નથી. તેની શ્રધ્ધા માત્ર ભગવાન ભોળાનાથ ઉપર છે.

ઘટના સંભલ જનપદના અસમોલી થાણા ક્ષેત્રનાં બદનપુર બસઈ ગામની છે. ત્યાં તમન્ના મલિકને ‘તુલસી’ નામથી પણ ઓળખવામાં આવે છે. તેને બે પુત્રો છે.
તમન્નાએ કહ્યું હતું કે, તેણે પોતાને મનપસંદ યુવાન સાથે લગ્ન થવા માટે ભગવાન ભોલાનાથ પાસે ‘માનતા’ રાખી હતી કે જો તે લગ્ન થઈ જશે તો તે હરિદ્વારથી કાવડ લઈને અહીંના શિવમંદિરમાં ગંગાજળ દ્વારા ભગવાન ભોલાનાથ ઉપર જળાભિષેક કરશે.
બુરખા સાથે ખભે કાવડ લઈ હરિદ્વારથી તમન્ના સંભલ તરફ રવાના થઈ ત્યારે માર્ગમાં અનેક શ્રધ્ધાળુઓએ તેની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. તેને કેટલીએ ભેટો પણ આપી તો કેટલાએ તેના આશીર્વાદ પણ લીધા. જો પ્રારંભમાં એક-બે ગામોમાં તેને થોડી મુશ્કેલીઓ પણ ઉભી થઈ પરંતુ પછી પોલીસ અને પ્રશાસને તેને પૂરતી સલામતી પણ આપી.
તમન્નાના પતિ અમન ત્યાગીએ કહ્યું હતું કે, ‘માર્ગમાં શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી પરંતુ પોલીસ અને વહીવટી તંત્રની દરમિયાનગીરીને લીધે બધું બરોબર થઈ ગયું.’
સંભલ પહોંચી તમન્નાએ પ્રાચીન નેમાસુર સ્થિત છૈમનાથ તીર્થ મંદિરમાં જલાભિષેક કર્યો. મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓ સાથે પોલીસે પણ તેની ઉપર પુષ્પવર્ષા કરી પછી પોલીસે તેને તેના ગામ સુધી પહોંચાડી. જલાભિષેક પછી તમન્નાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તેને ભોલાનાથમાં પૂરી શ્રધ્ધા છે અને સમાજમાં ભ્રમ ફેલાવનાર કટ્ટરપંથીઓનો તે વિશ્વાસ કરતી નથી.

