ઓઆરએસને લઇને એફએસએસએઆઇ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે, હવેથી કંપનીઓ મરજી મુજબ ઓઆરએસ શબ્દ પોતાની પ્રોડક્ટ પર નથી છાપી શકે. આ માટે ડબલ્યુએચઓ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કે સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે.

અગાઉ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પોતાની બ્રાન્ડની સાથે ઓઆરએસ શબ્દનો પ્રયોગ કરવાની છૂટ મળી હતી. આ છૂટને એફએસએસએઆઇ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પાછી ખેંચી લીધી છે. સાથે જ એવી શરત મુકી છે કે જો કોઇએ પોતાની બ્રાન્ડમાં ઓઆરએસનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પોતાની ફોર્મ્યુલેશનમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓ દ્વારા જે સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે તેનું પાલન કરવું પડશે. અગાઉ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ના જે આદેશ જારી થયા હતા તેમાં જણાવાયું હતું કે ઓઆરએસને ટ્રેડમાર્ક (બ્રાન્ડનું નામ)ની આગળ અથવા પાછળ જોડી શકાશે, જોકે આ પ્રોડક્ટ વિશ્વ આરોગ્ય સંસ્થાના ઓઆરએસના ફોર્મ્યુલા હેઠળ નથી તેવું લખવું ફરજિયાત હતું. હવે આ જુના આદેશને રદ કરી દેવામાં આવ્યા છે. તેથી હવેથી કોઇ પણ બ્રાન્ડમાં ઓઆરએસનો ઉપયોગ આડેધડ નહીં થઇ શકે. તેના માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાન્ડર્ડ અને ઓઆરએસની ફોર્મ્યુલા અપનાવવી પડશે.

