NATIONAL : બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર

0
48
meetarticle

ભારત અને બ્રિટન સરકારોએ ગુરુવારે આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. યુનાઈટેડ કિંગ્ડમના વડાપ્રધાન કીર સ્ટાર્મરના પહેલા ભારત પ્રવાસમાં મુંબઈમાં ગુરુવારે બંને દેશોએ ૪૬૮ મિલિયન યુએસ ડોલર (અંદાજે રૂ. ૪,૧૫૮ કરોડ)ના મૂલ્યનો સોદો કર્યો હતો. આ સોદાના ભાગરૂપે બ્રિટન ભારતીય સૈન્યને હળવા વજનની મલ્ટિરોલ મિસાઈલ્સ માર્ટલેટ્સ પૂરી પાડશે. સાથે જ ભારત અને બ્રિટને ઈન્ટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ ભારતીય નેવી માટે ઈલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવાશે. બીજીબાજુ ભારતીય કંપનીઓ બ્રિટનમાં ૧.૩ અબજ પાઉન્ડ (અંદાજે રૂ. ૧૫,૩૫૬ કરોડ)નું રોકાણ કરશે, જેના પગલે બ્રિટનના વિવિધ સેક્ટર્સમાં ૭,૦૦૦ રોજગારીનું સર્જન થશે.ભારત અને બ્રિટનની મૈત્રી વૈશ્વિક સ્થિરતા તથા આર્થિક પ્રગતિ માટે આધારસ્થંભ સમાન છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે અનેક બાબતો પર  દ્વિપક્ષી મંત્રણા યોજ્યા બાદ જણાવ્યું હતું. બ્રિટિશ સરકારે ભારત સાથેના સંરક્ષણ સોદાને બંને દેશો વચ્ચે ગાઢ બનતા વ્યૂહાત્મક સંબંધો માટે ઐતિહાસિક સિમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. આ મિસાઈલોનું ઉત્પાદન ઉત્તરી આયર્લેન્ડ સ્થિત ફ્રાન્સની કંપની થેલ્સના પ્લાન્ટમાં થશે, જેનાથી બ્રિટનમાં ૭૦૦ નોકરીઓનું સર્જન થશે. આ કરાર ભારત અને બ્રિટન વચ્ચે જટિલ હથિયાર ભાગીદારીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

વધુમાં ભારત અને બ્રિટન ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ હેઠળ રિજનલ મેરિટાઈમ સિક્યોરિટી સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવા તૈયાર થયા છે. આ કેન્દ્ર હિન્દ-પ્રશાંત સાગરમાં સમુદ્રી સુરક્ષા મજબૂત કરશે. બ્રિટને ભારતીય નેવી માટે ઈલેક્ટ્રિક પ્રપલ્સન સિસ્ટમ વિકસાવવા ઈન્ટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ ની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી અને પીએમ સ્ટાર્મરે ભારતીય એરફોર્સના ક્વોલીફાઈડ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર્સ યુકે રોયલ એર ફોર્સ સાથે તાલીમ મેળવે તેવી વ્યવસ્થામાં થયેલી પ્રગતિ અંગે પણ આનંદ વ્યક્ત કરી હતી.

દરમિયાન ભારતની કંપનીઓ ૬૪ રોકાણ પ્રોજેક્ટ હેઠળ બ્રિટનમાં ૧.૩ અબજ પાઉન્ડ (અંદાજે રૂ. ૧૫,૩૫૬ કરોડ)નું રોકાણ કરશે, જેનાથી વિવિધ સેક્ટર્સમાં ૬,૯૦૦ નોકરીઓનું સર્જન થશે. ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ કહ્યું કે, ભારત અને બ્રિટન વચ્ચે એફટીએની અસર હેઠળ ભારતીય કંપનીઓનો બ્રિટનમાં રોકાણ માટેનો વિશ્વાસ વધ્યો છે. ભારતીય કંપનીઓ આગામી પેઢીની ઈલેક્ટ્રિક મોટરબાઈક્સ, સેમીકન્ડક્ટર્સ, કૃષિ ઈનોવેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને શિક્ષણ ટેક્નોલોજીમાં તેમના ઉત્પાદનો લોન્ચ કરશે.

પીએમ મોદી અને સ્ટાર્મર બંનેએ ભારત-બ્રિટન વચ્ચે ગયા જુલાઈમાં થયેલી ઐતિહાસિક મુક્ત વેપાર સંધિથી બંને દેશોના સંબંધોમાં ઉર્જા રેડાઈ હોવાનું જણાવ્યું હતું. સ્ટાર્મર સાથે બ્રિટનની ૧૦૦ કંપનીઓના સીઈઓ તથા ઉદ્યોગ સાહસિકો, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ તથા અન્ય મહાનુભવો મુંબઈ આવ્યા હતા. 

પીએમ મોદીએ સ્ટાર્મરની હાજરીમાં જણાવ્યું હતું કે બંને દેશો સહજ ભાગીદારો છે. અમારા સંબંધો લોકશાહી, સ્વતંત્રતા તથા કાયદાના શાસનનાં  સહિયારા મૂલ્યો પર નિર્માણ પામેલા છે. હાલના વૈશ્વિક અસ્થિરતાના સમયમાં બંને દેશો વચ્ચેની વધતી ભાગીદારી  વૈશ્વિક સ્થિરતા તથા આર્થિક પ્રગતિ માટે આધારસ્થંભ સમાન છે. અમારી ભાગીદારી  વિશ્વસનીય છે અને પ્રતિભા તથા ટેકનોલોજીથી દોરવણી પામી રહી છે.

પીએમ મોદીએ કીર સ્ટાર્મર સાથેની મુલાકાતમાં બ્રિટનમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકતાંત્રિક દેશોમાં કટ્ટરવાદ અને હિંસક કટ્ટરવાદીઓ માટે કોઈ જગ્યા નથી. વડાપ્રધાન મોદીએ પીએમ સ્ટાર્મરને ખાલિસ્તાની આતંકીઓ સામે આકરી કાર્યવાહી કરવા માગ કરી હતી. 

વડાપ્રધાન સ્ટાર્મરે યુકે અને ભારત વચ્ચેની સર્વગ્રાહી આર્થિક અને વેપાર સંધિને એક સફળતાની ક્ષણ ગણાવી હતી. આ સંધિથી  ટેરીફ્સ ઘટશે તથા બંને દેશો એકબીજાનાં બજારોની પહોંચ મેળવી શકશે અને તેનાથી રોજગારી નું સર્જન થશે એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ બન્ને દેશોએ સાથે મળીને કામ કરવા સહમતી દર્શાવી છે, જેમાં યુ.કે.ની નવ યુનિર્વસિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ એક અતિ આનંદની વાત એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

સ્ટામરે જણાવ્યું હતું કે સારી ગુણવત્તાના ઉચ્ચ શિક્ષણની માગ વધુ છે. માટે બ્રિટિશની યુનિર્વસિટીઓ અહીં કેમ્પસની સ્થાપના કરશે તેવી જાહેરાત કરતાં મને ખરેખર આનંદ થાય છે. બંને દેશોના વડાએ ગાઝા તથા યુક્રેનની સ્થિતિની  પણ ચર્ચા કરી હતી. તેમણે ગાઝા  તથા યુક્રેનમાં કાયમી શાંતિની તરફેણ કરી હતી.  વડાપ્રધાન મોદીએ યુકે સાથે  અગત્યની ખનીજોના ક્ષેત્રે સહકાર માટે સપ્લાય ચેઈન ઓબ્ઝર્વેરટરી તથા ઈન્ડસ્ટ્રી  ગિલ્ડ સ્થાપવાનુંમ નક્કી  થયું હોવાનું પણ જણાવ્યું  હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમે ક્લાઈમેટ ટેકનોલોજી સ્ટાર્ટ અપ ફંડ સ્થાપવાનું  પણ નક્કી  કર્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here