દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ પર કોર્ટની કાર્યવાહી દરમિયાન જ જૂતુ ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલ રાકેશ કિશોરે બીજા દિવસે કહ્યું હતું કે મે જે કર્યું તેને લઇને કોઇ જ પછતાવો નથી. તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે ત્યારે વકીલને કોઇ અફસોસ નથી, તેણે કહ્યું હતું કે હું અહિંસામાં વિશ્વાસ ધરાવું છું, મે જે કઇ કર્યું તે ભગવાને મારી પાસે કરાવ્યું. મુખ્ય ન્યાયાધીશ ગવઇએ મને જવા દીધો તે જાણી આશ્ચર્ય થયું.

મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વકીલે કહ્યું હતું કે હું કોઇ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ મુખ્ય ન્યાયાધીશ ગવઇ દ્વારા ભગવાન વિષ્ણુ અંગે જે ટિપ્પણી કરાઇ તે મને સ્વીકાર્ય નથી. મુખ્ય ન્યાયાધીશ એક બંધારણીય પદ છે જેને લોકો માય લોર્ડ તરીકે પણ સંબોધે છે, એવામાં સીજેઆઇને ખ્યાલ હોવો જોઇએ કે આ શબ્દની મર્યાદા શું છે. મારા વિરોધીઓ અને સીજેઆઇને પૂછવા માગુ છું કે સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં કઇ ખોટુ છે? બાર કાઉન્સિલે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લીધો છે જેની ટીકા કરતા આ વકીલે કહ્યું હતું કે મારી સામે નિયમ મુજબ કાર્યવાહી નથી કરાઇ, મારો પક્ષ સાંભળ્યા વગર મને સસ્પેન્ડ કરી દેવાયો, મારે હવે ક્લાયંટોની ફી પરત કરવી પડશે. ૧૬મી સપ્ટેમ્બર બાદ હું ઉંઘી નહોતો શકતો, કોઇ દિવ્ય શક્તિ મને જગાડી રાખતી હતી અને મને કહેતી હતી કે દેશ બળી રહ્યો છે અને તું ઉંઘી રહ્યો છે? મે કઇ જ નથી કર્યું મને ભગવાને બધુ કરાવ્યું. હું માફી નહીં માગું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને તમામ નેતાઓ અને ન્યાયવીદોએ વકીલના આ કૃત્યની આકરી ટિકા કરી હતી. જોકે વકીલને પોતે કોઇ જ પછતાવો નથી.

