કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા કરતી શરમજનક ઘટના સામે આવી છે. શહેરમાંમાં એક બાઇક રાઇડરે રાઈડ દરમિયાન એક યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. જો કે, યુવતીએ હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી અને ત્યારબાદ પોલીસને જાણ કરી. પોલીસે રાઈડર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પીડિત યુવતીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી અને બાદમાં પોલીસને પણ વિગતવાર નિવેદન આપ્યું. આ ઘટના ગુરુવારે (6 નવેમ્બર) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. બાઈક રાઈડર સાથે યુવતી ચર્ચ સ્ટ્રીટથી પોતાના પીજી પરત ફરી રહી હતી. રાઇડ દરમિયાન બાઇક રાઇડરે યુવતીનો પગ પકડવાનો પ્રયાસ કર્યો, જેનાથી યુવતી ગભરાઈ ગઈ.યુવતીએ રાઇડરને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ‘ભાઈ, તું શું કરી રહ્યો છો? આવું ના કરશો?’ યુવતીએ રાઇડરને ઘણી વાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાનું અયોગ્ય વર્તન બંધ ન કર્યું.

બાઈક રાઇડરની શરમજનક હરકતો ચાલુ રહેતાં, યુવતીએ તાત્કાલિક પોતાનો મોબાઇલ ફોન કાઢીને રાઇડરના આ વર્તનને કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું. આ વીડિયો હાલમાં પોલીસ તપાસમાં એક મહત્ત્વપૂર્ણ પુરાવો બન્યો છે.હાલ આ મામલે વિલ્સન ગાર્ડન પોલીસે યુવતીની ફરિયાદના આધારે તાત્કાલિક ફરિયાદ નોંધી છે અને બાઇક રાઇડર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ રાઇડરને પકડવા અને તેના પર કાયદાકીય પગલાં લેવા માટે તપાસ કરી રહી છે.
