NATIONAL : ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન

0
37
meetarticle

અયોધ્યા રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું સોમવારે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેઓ મધ્યપ્રદેશના રીવા ખાતે આવેલી સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં સોમવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે, જ્યાં મંગળવારે સરયૂ નદીમાં તેમને જળ સમાધિ આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

67 વર્ષીય ડૉ. વેદાંતી છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના રીવામાં રામકથા માટે ગયા હતા. રવિવારે તેમને પેશાબ સંબંધિત તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને તેમના બીમાર હોવાની જાણ થતાં તેમણે એરલિફ્ટ કરીને ભોપાલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઓછી વિઝિબિલિટીને કારણે વિમાન લેન્ડ ન થઈ શકતા તેમને પાછા રીવાની હોસ્પિટલમાં જ દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન, મધ્યરાત્રિએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

સોમવારે સવારે ફરીથી હાર્ટ એટેક આવતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેમને એરલિફ્ટ કરીને મેદાંતા હોસ્પિટલ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ ખરાબ હવામાન અને ડૉ. વેદાંતીની અસ્થિર તબિયતને કારણે ડોક્ટરોએ એરલિફ્ટ કરવાની મંજૂરી આપી ન હતી. આ દરમિયાન, બપોરે સાડા બાર વાગ્યે તેમના શ્વાસ થંભી ગયા હતા.

ડૉ. વેદાંતીના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતા કહ્યું, “શ્રીરામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સ્તંભ, પૂર્વ સાંસદ અને પૂજ્ય સંત ડૉ. રામવિલાસ વેદાંતીજી મહારાજનું દેવલોક પામવું એ આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમનું જવું એ એક યુગનો અંત છે.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here