ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ સાંસદોની વિચાર મંથન માટેની બે દિવસની વર્કશોપ રવિવારે સંસદ પરિસરમાં શરૂ થઈ હતી. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના બધા જ સાંસદોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં પીએમ મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ તસવીર વાયરલ થઈ છે.

સંસદ પરિસરમાં રવિવારે સવારે શરૂ થયેલી વર્કશોપમાં ભાજપ સાંસદોએ જીએસટી સુધારા માટે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી બધા જ સાંસદોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત માહિતી અપાઈ હતી. આ સમયે પીએમ મોદી સૌથી છેલ્લી હરોળમાં એક સામાન્ય સાંસદની જેમ બેઠેલા જોવા મળ્યા હતા. ગોરખપુરના સાંસદ રવિ કિશને આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે સાંસદોની વર્કશોપમાં અંતિમ હરોળાં બેઠેલા પીએમ મોદી. આ છે ભાજપની તાકાત. અહીં દરેક વ્યક્તિ કાર્યકર છે. રવિ કિશને પોસ્ટ કરેલી તસવીર જોતજોતામાં વાયરલ થઈ હતી. આ પહેલા જીએસટીમાં ઐતિહાસિક સુધારા માટે ભાજપ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમનું સન્માન કર્યું હતું. જગદંબિકા પાલે જીએસટીમાં સુધારાની પ્રશંસા કરતા કહ્યું કે, પીએમ મોદીએ જીએસટી અંગે મોટો નિર્ણય લીધો, જે આંતરરાષ્ટ્રીય ટેરિફના દબાણનો વિકલ્પ છે. તેમણે વિપક્ષ પર નિશન સાધતા કહ્યું કે, પહેલા વિપક્ષ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહેતો હતો, અને હવે તે જીએસટીમાં સુધારાનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આખો દેશ તેમની હકીકત જાણે છે.

