હાલના સમયે વંદે ભારત જેવી ટ્રેનો સુપર-સ્પીડથી દોડી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે એક ટ્રેન એવી પણ છે જે આપણને ભૂતકાળની યાદ અપાવે છે. આ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે શહેરનો સાયકલ સવાર પણ તેનાથી સરળતાથી આગળ નીકળી શકે. આ ટ્રેન મેટ્ટુપાલાયમથી ઊટી જતી નીલગિરિ પેસેન્જર ટ્રેન છે.

આ ટ્રેન એક કલાકમાં લગભગ 9 કિલોમીટરનું જ અંતર કાપે છે. જેથી 46 કિલોમીટરની આ મુસાફરી પૂરી કરવામાં તેને 5 કલાકનો સમય લાગે છે. જોકે, તેની આ ધીમી રફતાર જ તેને ભારતની સૌથી અનોખી અને રોમેન્ટિક ટ્રેન બનાવે છે, આથી જ માત્ર ભારતીયો જ નહી પણ દુનિયાભરના ટુરિસ્ટ તેના દીવાના છે.
ભારતની સૌથી ધીમી ટ્રેન
તમિલનાડુમાં દોડતી મેટ્ટુપાલાયમ–ઊટી ટોય ટ્રેનને દેશની સૌથી ધીમી પેસેન્જર ટ્રેન ગણવામાં આવે છે. તેનો કુલ પ્રવાસ માત્ર 46 કિલોમીટરનો છે, પણ આ અંતર કાપવા માટે લગભગ 5 કલાકનો સમય લાગે છે. આનો અર્થ એ થયો કે તેની ઝડપ પ્રતિ કલાક માત્ર 9 કિમી જેટલી છે.
આજે જ્યારે 200ની સ્પીડવાળી ટ્રેન વિશે ચર્ચા થઈ રહી છે, ત્યારે આ ટ્રેન પહાડો પર ધીમે ધીમે આગળ વધે છે અને આ ધીમો પ્રવાસ જ તેની સુંદરતા છે. બારીમાંથી વાદળોને શાંતિથી પસાર થતા જોવાનો, જંગલ વચ્ચે અચાનક ટનલમાંથી બહાર આવવાનો, અને રસ્તામાં નાના ઝરણાં જોવાનો અનુભવ… આ તમામ બાબતો મળીને આ પ્રવાસને માત્ર એક યાત્રાને બદલે એક અદ્ભુત અનુભવ બનાવે છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે
આ રેલ લાઇનનો વિચાર સૌપ્રથમ 1854માં કરવામાં આવ્યો હતો. જોકે, પહાડો કોતરીને રેલ લાઇન નાખવી સહેલી નહોતી, તે એક મોટો એન્જિનિયરિંગ પડકાર હતો. આ જ કારણોસર, તેનું નિર્માણ શરૂ કરવામાં 40 વર્ષનો વિલંબ થયો. 1891માં કામગીરી શરૂ થઈ અને 1908માં આ આખો માર્ગ તૈયાર થઈ શક્યો.
100 વર્ષથી પણ વધુ સમય પહેલાં પહાડો પર આટલી અદ્ભુત રેલવે લાઇન બનાવવામાં આવી હતી. આ જ કારણે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. દુનિયાભરમાં જેની પ્રશંસા થાય છે, તેવી ભારતની ત્રણ માઉન્ટેન રેલ પૈકીની આ એક છે.
ટિકિટ અને ટાઇમિંગ
આ ટોય ટ્રેન કલ્લાર, કુન્નૂર, વેલિંગ્ટન અને લવડેલ જેવા સુંદર સ્ટેશનો પરથી પસાર થઈને ઊટી પહોંચે છે. તેની ઊંચી ચઢાણ પાર કરવા માટે તેમાં એક વિશિષ્ટ ‘રૅક-એન્ડ-પિનિયન’ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે, જે તેને લપસતી અટકાવે છે — આ તેની એન્જિનિયરિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. આ ટ્રેન સવારે 7:10 વાગ્યે મેટ્ટુપાલાયમથી ઉપડે છે અને બપોર સુધીમાં ઊટી પહોંચી જાય છે. જ્યારે, પરત મુસાફરીમાં તે બપોરે 2 વાગ્યે ઊટીથી નીકળીને સાંજે 5:35 વાગ્યે મેટ્ટુપાલાયમ પરત ફરે છે. આ ઐતિહાસિક પ્રવાસ માટે ટિકિટના દર પણ ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટની કિંમત લગભગ ₹600 છે, જ્યારે સેકેન્ડ ક્લાસની ટિકિટ ફર્સ્ટ ક્લાસના ભાવ કરતાં અડધી છે.

