ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતા ચિકન નેકની નજીક બાંગ્લાદેશ વિશાળ હેંગરનું નિર્માણ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હેંગરનો ઉપયોગ બાંગ્લાદેશ પોતાના યુદ્ધ વિમાનોને પાર્ક કરવા માટે કરી રહ્યું છે. જોકે ભવિષ્યમાં આ હેંગર ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત અહીંયા બાંગ્લાદેશ પાક. અને ચીન પાસેથી મળેલા યુદ્ધ વિમાનો પણ પાર્ક કરી શકે છે.

તાજેતરમાં જ બાંગ્લાદેશ સૈન્યના પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાંએ ભારત નજીક નિર્માણ પામી રહેલા આ એરબેઝની મુલાકાત લીધી હતી. એવા અહેવાલો છે કે બાંગ્લાદેશનું આ એરબેઝ ભારતની ચિકન નેક એટલે કે સિલીગુડી કોરિડોરની એકદમ નજીક છે. લાલમોનિરહાટ એરબેઝના નિર્માણાધીન હેંગરની આસપાસના વિસ્તારને બાંગ્લાદેશ એરફોર્સે પોતાના કબજામાં લઇ લીધો છે. આ હેંગરનો ઉપયોગ બાંગ્લાદેશના યુદ્ધ વિમાનોના પાર્કિંગ માટે કરવામાં આવશે. હેંગરનું નિર્માણ હરિભંગા ગામમાં થઇ રહ્યું છે જે ભારત અને બાંગ્લાદેશ સરહદેથી માત્ર ૨૦ કિમી દૂર આવેલો છે. જે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર નજીક આવેલો છે. આ એરબેઝ કુલ ૧૧૬૬ એકડમાં ફેલાયેલો છે. બ્રિટિશ કાળમાં ૧૯૩૧માં સ્થાપિત આ એરબેઝનો ઉપયોગ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તાની સૈન્યએ કર્યો હતો. તે બાદથી જ આ વિસ્તાર લાંબા સમયથી ખંડેર હાલતમાં પડયો હતો. જોકે હવે બાંગ્લાદેશ ત્યાં યુદ્ધ વિમાનો માટેનું પાર્કિંગ સ્થળ તૈયાર કરી રહ્યું છે. એવા અહેવાલો પણ છે કે બાંગ્લાદેશને પાકિસ્તાન અને ચીન તરફથી જે યુદ્ધ વિમાનો મળ્યા છે તેને બાંગ્લાદેશ અહીયા તૈનાત કરી શકે છે. જેને કારણે આ વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનના અધિકારીઓની આ વિસ્તારમાં અવર જવર વધી શકે છે.

