ભારતીય સેના પોતાની લડાઈ ક્ષમતામાં ઐતિહાસિક વૃદ્ધિ કરી રહી છે. આ પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે ભૈરવ બટાલિયન, જે એક એવું વિશેષ એકમ છે જે નિયમિત પાયદળ અને ચુનંદા કમાન્ડો દળો વચ્ચેની ખાલી જગ્યા ભરી દેશે. ભૈરવ બટાલિયનને દુશ્મન પર અચાનક અને પ્રભાવશાળી હુમલા કરવા, આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા અને સરહદની નિગરાની કરવા જેવી જવાબદારીપૂર્ણ ભૂમિકાઓ માટે સજ્જ કરવામાં આવશે. ચાલો જાણીએ કે ભવિષ્યના યુદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનામાં ‘ભૈરવ બટાલિયન’ સહિત કેવાં અપગ્રેડેશન કરવામાં આવી રહ્યાં છે.

ભૈરવ બટાલિયનનો ઉદ્દેશ્ય
ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોનો ખતરો ભારતને માથે કાયમ તોળાતો રહે છે. તેથી આ દેશો સાથેની સરહદો પર ભારતની લશ્કરી કાર્યવાહીના સામર્થ્યમાં વધારો કરવા માટે ચુનંદા સૈનિકોની વિશેષ ‘ભૈરવ બટાલિયન’ તૈયાર કરવામાં આવી છે. આ બટાલિયનની વિશેષતા ઝડપી અને કાર્યક્ષમ હુમલો કરવાની છે.
ભૈરવ બટાલિયનનું સ્વરૂપ
ભારતીય સેનામાં કુલ 25 ભૈરવ બટાલિયનની રચના કરવાનું લક્ષ્ય છે. પ્રત્યેક બટાલિયનમાં 250 સૈનિકો હશે. હાલમાં 5 ભૈરવ બટાલિયન સક્રિય થઈ ચૂકી છે. ભારતની સરહદો પરના મહત્ત્વપૂર્ણ સ્થાન એવા દિમાપુર, જોધપુર, લેહ, શ્રીનગર અને નાગરોટા ખાતે એને તહેનાત કરવામાં આવી છે. 4 બટાલિયન ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે અને બાકીની 16 આગામી છ મહિનામાં કાર્યરત થઈ જશે.
ભૈરવ બટાલિયનની ખાસિયતો
ભૈરવ બટાલિયનની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.
1. હળવા પરંતુ ઘાતક હથિયાર: આ બટાલિયનમાં હળવા અને સરળતાથી વહન કરી શકાય એવા હથિયારો વપરાય છે. જેમ કે, હળવી મશીનગન, ઓટોમેટિક રાઈફલ અને મોર્ટાર. તેમની પાસે ભારે તોપખાનું નથી હોતું, તેથી અન્ય બટાલિયનની સરખામણીમાં ભૈરવ બટાલિયન ઝડપથી આગળ વધી શકે છે.
2. ડ્રોન સહાય: ભૈરવ બટાલિયનની લડાઈ ક્ષમતા વધારવા માટે તેમની પાસે ડ્રોન ઓપરેટ કરતી ખાસ ટીમ હોય છે, જે દુશ્મન પર નજર રાખે છે, હુમલો કરે છે અને સૈનિકોને જરૂરી સામાન પહોંચાડે છે.
3. વાયુસેના સાથે સંકલન: ભૈરવ બટાલિયનનું સંકલન ભારતીય વાયુસેના સાથે હોય છે, જેથી જરૂર પડ્યે તેમને વાયુસેનાની મદદ મળી શકે અને દુશ્મન પર વધુ આકરો હુમલો કરી શકાય.
4. સ્થાનિક સહાય મેળવવામાં ઉસ્તાદ: લડાઈના ક્ષેત્રની ભૂગોળ અને સ્થાનિક લોકો સાથે સંવાદ સાધવાની સમજ હોય તો સેનાના જવાનો સ્થાનિક સંસાધનો અને માહિતીનો ઉપયોગ કરીને તેમનું કામ આસાન બનાવી શકે છે, તેથી ભૈરવ બટાલિયનના સૈનિકોને આ માટે વિશેષપણે પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ બટાલિયનની જરૂરત શા માટે ઊભી થઈ?
પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’ના અનુભવ પછી આ પ્રકારના એકમોની આવશ્યકતા જણાઈ છે. આ ઓપરેશને ભારતની સંકલિત લડાઈ ક્ષમતાની પરીક્ષા લીધી અને આધુનિક યુદ્ધની રણનીતિને નવેસરથી વ્યાખ્યાયિત કરી છે. વ્યૂહાત્મક લક્ષ્યો પર સચોટ હુમલા કરતા અગાઉ ઉચ્ચ કક્ષાની ગુપ્તચર ગતિવિધિઓ, નિરીક્ષણ અને શોધ ક્ષમતાઓ વધારવાની આવશ્યકતા અનુભવાઈ છે, જેને પરિણામે આ નવીન પ્રકારની ભૈરવ બટાલિયનનું સર્જન કરવામાં આવ્યું છે.
ભૈરવ બટાલિયન સિવાયના અન્ય આધુનિકીકરણ પગલાં
ભારતીય સેનામાં પરિવર્તનનો આરંભ ફક્ત ભૈરવ બટાલિયન સુધી સીમિત નથી. સેના તેની પાયદળ બટાલિયનમાં ‘અશ્ની પ્લાટૂન’ પણ રચી રહી છે, જે વિશેષપણે ડ્રોન સંચાલન કરશે. આ ડ્રોનનો ઉપયોગ નિરીક્ષણ, ગોળાબારી માર્ગદર્શન અને હુમલા જેવા વિવિધ હેતુઓ માટે થશે. હાલમાં આવી 382 પ્લાટૂન કાર્યરત થઈ ચૂકી છે.
આ ઉપરાંત સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા ‘રુદ્ર બ્રિગેડ’ (ઓલ-આર્મ્સ ફોર્મેશન), ‘દિવ્યાસ્ત્ર બેટરી’ (ડ્રોન-ઇન્ટિગ્રેટેડ આર્ટિલરી) અને ‘શક્તિબાણ યુનિટ’ (માનવરહિત હવાઈ પ્રણાલીઓ) જેવી નવી સૈન્ય રચનાઓની જાહેરાત પણ કરાઈ છે. આ બધા પગલાં સેનાના ફાયરપાવર અને ડીપ-સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરશે.

