ભારત ભવિષ્યમાં ચીન સાથે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઉતાવળે હિમાલયમાં પોતાની સૈન્ય તૈયારીઓ મજબૂત કરી રહ્યું છે. આ માટે ભારત હિમાલયમાં યુદ્ધના ધોરણે પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ સુધી સરહદ નજીક કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા, સુરંગો અને એરસ્ટ્રીપનું નિર્માણ કરી રહ્યું છે તેમ અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં દાવો કરાયો છે. જોકે, આ રિપોર્ટથી ચીન ભડક્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે ભારત-ચીનના સંબંધો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ ઉશ્કેરણીજનક અને આધારહીન છે. અમેરિકા ભારત અને ચીનના સંબંધોમાં અવરોધો ઊભા કરવા માગે છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખતા એશિયામાં ભારત, ચીન અને રશિયા એક મંચ પર સાથે આવી રહ્યા છે. આવા સમયે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (ડબલ્યુેસજે)ના રિપોર્ટે હોબાળો મચાવ્યો છે. ડબલ્યુએસજેએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જૂન ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારતીય જવાનોની ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણમાં ૨૨૦૦ માઈલ લાંબી વિવાદાસ્પદ સરહદ પર ભારતની તેના સૈન્યને સામાન પહોંચાડવાની વ્યવસ્થાની અનેક ખામીઓ ઉજાગર થઈ હતી.

ચીને પોતાના સરહદીય વિસ્તારોમાં રેલવે-રસ્તાનું મોટું નેટવર્ક બનાવ્યું
ડબલ્યુએસજેના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ચીને ભારત સાથે ૧૯૬૨ના યુદ્ધ પછીના સમયથી જ પોતાના સરહદીય વિસ્તારોમાં સતત રેલવે અને રસ્તાનું મોટું નેટવર્ક બનાવ્યું છે. પરંતુ ભારત હિમાલયની સરહદ પર બીજીબાજુ પોતાના વિસ્તારોમાં જવાનોને ઝડપથી સામાન પહોંચાડવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં પાછળ રહી ગયું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ પછી ચીન કેટલાક કલાકોમાં જ તેના સૈનિકોને સૈન્ય રસદ પહોંચાડવા સક્ષમ હતું, પરંતુ ભારત પાસે તેના ફ્રન્ટ પોસ્ટ સુધી વધારાના સૈનિકો અને સામાન પહોંચાડવા માટે ના તો રસ્તા હતા કે ના કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતને તેના સૈનિકો સુધી સામાન પહોંચાડવામાં સપ્તાહો લાગી શકે તેમ હતા.ગલવાન હિંસા સમયે સરહદે ભારતની લોજિસ્ટિક ખામીઓ ઉજાગર થઈ
આ રિપોર્ટ મુજબ આ ખામીઓ ઊજાગર થયા પછી ભારતે હિમાલયમાં કરોડો રૂપિયાના ખર્ચે પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં ઉતાવળ શરૂ કરી છે. ભારત તિવ્ર ગતિએ હિમાલયમાં રસ્તા, સુરંગ અને એર સ્ટ્રીપ બનાવી રહ્યું છે. હિમાલયના અનેક વિસ્તારોમાં માઈનસ ૪૦ ડિગ્રી સે. સુધીના નીચા તાપમાનમાં પણ ભારતીય કામદારો રોડ, સુરંગો, પુલ, એરસ્ટ્રીપ બનાવવામાં વ્યસ્ત છે. વોલ સ્ટ્રીટ જર્નલના આ રિપોર્ટ મુજબ ભારત પોતાની સુરક્ષા માટે ગંભીર છે અને ચીન સાથે કોઈપણ સમયે યુદ્ધ માટે પોતાને તૈયાર કરી રહ્યું છે.
ડબલ્યુએસજેના રિપોર્ટમાં માત્ર એક પક્ષ રજૂ કરાયો : ભારત-ચીન
દરમિયાન ડબલ્યુએસજેના આ રિપોર્ટને ભારત અને ચીનના સુરક્ષા નિષ્ણાતોએ ઉશ્કેરણીજનક અને યુદ્ધોન્માદ જગાવવા સમાન ગણાવ્યો છે. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ભારત હિમાલયમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે તેનો આશય સંપૂર્ણપણે સંરક્ષણાત્મક છે. ઊંચાઈવાળા અને અંતરિયાળ વિસ્તારોમાં આખું વર્ષ તૈનાત પોતાના સૈનિકો સુધી સામાન પહોંચાડવો, ભૂતકાળની નબળાઈઓને દૂર કરવી એ ભારતનો અધિકાર છે. તેને કોઈપણ રીતે ચીન પર હુમલાની તૈયારી તરીકે જોઈ શકાય નહીં. આ રિપોર્ટમાં માત્ર ભારત-ચીન વચ્ચે યુદ્ધનો એક પક્ષ રજૂ કરાયો છે. બંને દેશ વચ્ચે તાજેતરના સમયમાં સંબંધોમાં થયેલા સુધારાની હકીકત તેમાં રજૂ નથી કરાઈ. બંને દેશ વચ્ચેના શાંતિના પ્રયત્નો, વાતચીત અને તણાવ ઘટાડવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ નથી કરાયો.
ભારત સાથે અમારી સંવાદની ચેનલ ખુલ્લી : ચીનનું વિદેશ મંત્રાલય
ચીનના વિદેશ મંત્રાલયે પણ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટને આધારહીન અને તોડી-મરોડીને રજૂ કરવા સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. તેમાં કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
ચીનના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ચીન અને ભારત પોતાના સંબંધોને રણનીતિક દૃષ્ટિએ સંભાળે છે. અમારી વચ્ચે સંવાદની ચેનલ ખુલ્લી છે. સંબંધ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યો છે.

