NATIONAL : ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર

0
36
meetarticle

ભારત અને રશિયાએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દંડ સ્વરૂપે લગાવેલા ટેરિફ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા શુક્રવારે બંને દેશ વચ્ચે આર્થિક અને વ્યાપારિક ભાગીદારી મજબૂત કરવા પંચવર્ષીય યોજના પર સહમતી વ્યક્ત કરી છે. આ યોજના હેઠળ બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર હાલના વાર્ષિક ૬૪ અબજ ડોલરથી વધારીને વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે. પ્રમુખ પુતિનના આ પ્રવાસમાં ભારત-રશિયાએ કુલ ૧૯ કરાર કર્યા છે. વધુમાં રશિયા સાથે સંબંધો તોડવા ભારત પર પ્રમુખ ટ્રમ્પના ભારે દબાણ છતાં ભારત-રશિયાની શિખર મંત્રણા પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અનેક ઉથલ-પાથલ અને ભૂ-રાજકીય તણાવો વચ્ચે પણ આઠ દાયકાથી વધુ જૂની ભારત-રશિયાની મિત્રતા ધૂ્રવ તારા સમાન અડગ અને અચળ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણ છતાં રશિયા ભારતને ફ્યુઅલનો પૂરવઠો અવિરત ચાલુ રાખશે.યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના પ્રમુખ અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે ૨૩મી શિખર મંત્રણા થઈ હતી. આ પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રદાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રમુખ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યાર પછી પ્રમુખ પુતિન રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આર્થિક પ્રતિબંધો વચ્ચે પુતિનના પ્રવાસ પર પશ્ચિમી દેશોની નજર

હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને રશિયાની ૨૩મી વાર્ષિક શિખર મંત્રણામાં વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિને બંને દેશોના વર્ષ ૨૦૩૦ના આર્થિક કાર્યક્રમને અંતિમરૂપ આપવાની સાથે કામદારોના ઈમિગ્રેશન, યુરિયા ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, મેડિકલ શિક્ષણ, શિપ બિલ્ડિંગ સહિત સાત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા ભારત પર દબાણ, મોસ્કો પર આર્થિક પ્રતિબંધોના સમયમાં વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસ પર પશ્ચિમી દેશોની નજર છે. અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતીઓની હકાલપટ્ટીનું વલણ અપનાવતા ભારતીયોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. બ્રિટન અને કેનેડાએ પણ ભારતીય વસાહતીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે તેવા સમયે પીએમ મોદીએ હવે પ્રોફેશનલ ઈમિગ્રન્ટ્સ સહિત કામદારોના રશિયામાં સરળ પરિવહન માટે કરાર કર્યા છે. 

આઈએનએસટીસી દુનિયા માટે વેપારનો નવો માર્ગ બનશે

બંને નેતાઓએ ભારતમાં યુરિયા ખાતરની સરળતાથી ઉપલબ્ધતા માટે યુરિયાના સંયુક્ત ઉત્પાદન પર ભાર મૂકાયો છે. ભારત અને રશિયા સાથે મળીને યુરિયાનું ઉત્પાદન કરશે. વધુમાં ભારત અને રશિયા પરસ્પર લોકોથી લોકોનો સંપર્ક વધારવાને પ્રાથમિક્તા આપશે. સાથે જ નવા આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી), ઉત્તરીય સમુદ્રી માર્ગ અને ચેન્નઈ-વ્લાદિવોસ્તોક કોરિડોર પર માલ-પરિવહનને આગળ વધારશે. આઈએનએસટી કોરિડોર ૭,૨૦૦ કિ.મી. લાંબો મલ્ટી-મોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે, જે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપને સાંકળે છે. 

ભારત અને રશિયાના સંબંધો હંમશા સમયની કસોટી પર ખરા ઉતર્યા : મોદી

દ્વિપક્ષીય શિખર મંત્રણા પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દાયકામાં દુનિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. માનવતાએ અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડયો છે. આમ છતાં ભારત અને રશિયાની મિત્રતા ધૂ્રવ તારા સમાન અડગ અને અચળ રહી છે. પરસ્પર સન્માન અને ગઢ વિશ્વાસ પર આધારિત આ સંબંધો હંમેશા સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. આ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સહયોગના બધા જ પાસાઓ પર અમે ચર્ચા કરી હતી. 

આર્થિક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા એ સંયુક્ત પ્રાથમિક્તા

પીએમ મોદીએ કહ્યું કે, આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવો એ અમારી સંયુક્ત પ્રાથમિક્તા છે. બંને દેશ વર્ષ ૨૦૩૦ સુધી આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમત થયા છે. આ સાથે પીએમ મોદીએ આ પ્રસંગે રશિયન નાગરિકો માટે ૩૦ દિવસના મફત ઈ-પ્રવાસન વિઝા તથા ૩૦ દિવસના સમૂહ પ્રવાસન વિઝા શરૂ કરવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીની દૂરદર્શી નીતિઓથી ભારત આત્મનિર્ભર બન્યું : પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, બંને દેશ તેમનો વાર્ષિક વેપાર વર્તમાન ૬૪ અબજ યુએસ ડોલરથી વધારીને ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ભારે દબાણ છતાં રશિયા સૌથી ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ક્રૂડ ઓઈલ, ગેસ, કોલસો અને અન્ય બધી જ વસ્તુઓની જરૂરિયાતનો પૂરવઠો અવિરત ચાલુ રાખશે. રશિયા ભારતીય ઉત્પાદનો માટે પોતાનું બજાર વધુ સુલભ બનાવશે તથા બંને દેશ નાના અને મોડયુલર પરમાણુ રિએક્ટર તથા ફ્લોટિંગ પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણમાં સહયોગ માટે આતુર છે. શિખર મંત્રણા પછી ભારત મંડપમમાં આયોજિત બિઝનેસ ફોરમને સંબોધન કરતા પ્રમુખ પુતિને કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત એક સ્વતંત્ર અને સંપ્રભુ નીતિનું સંચાલન કરી રહ્યું છે અને સાથે ખૂબ સારા પરિણામ મેળવી રહ્યું છે. પીએમ મોદીની દૂરદર્શી આર્થિક નીતિઓ અને મેક ઈન ઈન્ડિયા જેવી ઐતિહાસિક પહેલના કારણે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

ભારત-રશિયા વચ્ચે સાત કરાર થયા

૧. સહયોગ અને પ્રવાસન પર સમજૂતી

૨. અસ્થાયી કામદાર પ્રવૃત્તિ

૩. સ્વાસ્થ્ય સેવા અને મેડિકલ શિક્ષણ

૪. ખાતર અંગે કરાર

૫. ખાદ્ય સુરક્ષા અને માપદંડો પર સમજૂતી

૬. પોલર શિપ્સ પર કરાર

૭. સમુદ્રી સહયોગ પર કરાર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here