પાકિસ્તાને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ, બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવેદનના કારણે પાકિસ્તાન ફફડી ગયું છે, જેના કારણે પાક. મીડિયા અને નેતાઓએ ઝેરીલી નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સરકાર નવી દિલ્હી અને તેલ અવીવના વધતા વ્યૂહાત્મક સંબંધોના કારણે ચિંતામાં મુકાઈ ગઈ છે. આ કારણે પાકિસ્તાની સિનેટમાં નેતન્યાહૂની ટીકા કરતો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

ભારત-ઈઝરાયલની મિત્રતાથી પાકિસ્તાન ટેન્શનમાં, વિરોધનો પ્રસ્તાવ પસાર કર્યો
રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઈઝરાયલી સેનેટમાં સંબોધન કરવાના છે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને મોટી ડિફેન્સ સમજૂતી કરવાની સંભાવના છે, ત્યારે આ મામલે પાકિસ્તાનના રાજકીય તંત્રએ કડક વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાની સીનેટે એકમત થઈને પ્રસ્તાવ પસાર કર્યો છે. નેતન્યાહૂએ ભારત અને અન્ય દેશો સાથે ક્ષેત્રીય ગઠબંધન બનાવવા માટે ટિપ્પણી કરી હતી, જેની ટિકા કરવા માટે આ પ્રસ્તાવ લવાયો છે.
નેતન્યાહૂના ‘હેક્સાગન’ નિવેદનથી પાકિસ્તાન ભડક્યું
વાસ્તવમાં પાકિસ્તાન નેતન્યાહૂના ‘હેક્સાગન’ નિવેદનથી ભડકી ઊઠ્યું છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા નેતન્યાહૂએ કેબિનેટની બેઠકમાં સંકેત આપ્યા છે કે, તેઓ હેક્સાગન ગઠબંધન બનાવી રહ્યા છે અને તેમાં ભારત, આરબ દેશો અને કેટલાક અન્ય દેશો સામેલ હોઈ શકે છે. આ ગઠબંધન કટ્ટરપંથી તાકાતો (ખાસકરીને ઈરાન અને તેના સહયોગીઓ) વિરુદ્ધ લડત આપશે. હેક્સાસનો અર્થ ષટકોણ થાય છે, જેમાં છ બાજુઓ હોય છે. એટલે કે જો ગઠબંધન બનશે તો તેમાં કુલ છ દેશો સામેલ હોઈ શકે છે. નેતન્યાહૂના આ નિવેદનથી ભડકી ઉઠેલા પાકિસ્તાને તેમના નિવેદનને મુસ્લિમ દેશો વિરુદ્ધનું ગણાવ્યું છે.
પાકિસ્તાને ઈઝરાયલ સાથે ભારત પર પણ નિશાન સાધ્યું
નેતન્યાહૂના નિવેદનથી ભયભીત થયેલા પાકિસ્તાનના પ્રસ્તાવમાં કહેવાયું છે કે, જો ઈઝરાયલ ગઠબંધન બનાવી દેશે તો વિશ્વની શાંતિ જોખમાશે અને અસ્થિરતાનો ખતરો ઉભો થશે. તેણે આક્ષેપ કર્યો છે કે, ઈઝરાયલ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોને અલગ-થલગ કરવાના પ્રયાસના ભાગરૂપે આ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે નેતન્યાહૂના નિવેદનને મુસ્લિમ દેશો વિરુદ્ધનું ગણાવ્યું છે. પાકિસ્તાની સીનેટે 24 ફેબ્રુઆરીએ સર્વસમતીથી આ પ્રસ્તાવ પસાર કર્યો છે. તેણે પ્રસ્તાવમાં એવું પણ કહ્યું છે કે, ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને ભારત સાથે ગઠબંધન કરીને મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
‘હેક્સાગન’ પ્લાનથી પાકિસ્તાન ફફડ્યું
પાકિસ્તાને ‘હેક્સાગન’ પ્લાનને પોતાના અને મુસ્લિમ દેશો વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. આ પ્રસ્તાવ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના સીનેટર પલવાશા ખાને રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં એવો પણ ઉલ્લેખ છે કે, ઈઝરાયલ ભારત અને અન્ય દેશો સાથે મળીને મુસ્લિમ દેશોને નિશાન બનાવવા માટે ગઠબંધન બનાવી રહ્યા છે, જે ક્ષેત્રીય શાંતિ માટે ખતરો છે.

