ભારત ૨૦૩૦ સુધી ઉચ્ચ મધ્યમ આવકવાળોે દેશ બની ચીન અને ઇન્ડોનેશિયાની લાઇનમાં આવી જશે અને તે ૨૦૨૮ સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ અગ્રેસર છે તેવી સંભાવના એસબીઆઇ રિસર્ચના અહેવાલમાં દર્શાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ બેંક ડોલરમાં પ્રતિ વ્યકિત જીએનઆઇ (ગ્રોસ નેશનલ ઇન્કમ)ના આધારે દેશોનું વર્ગીકરણ નિમ્ન આવક, નિમ્ન મધ્યમ આવક, ઉચ્ચ મધ્યમ આવક અને ઉચ્ચ આવકવાળા દેશોનાં સ્વરૃપમાં કરે છે.
વર્ષ ૧૯૯૦નાં વિશ્વ બેંકના વર્ગીકરણ અનુસાર કુલ ૨૧૮ દેશોમાંથી ૫૧ નિમ્ન આવક, ૫૬ નિમ્ન મધ્યમ આવક, ૨૯ ઉચ્ચ મધ્યમ આવક અને ૩૯ ઉચ્ચ આવકવાળા દેશ હતાં.
જો કે વર્ષ ૨૦૨૪માં પ્રકાશિત નવા વર્ગીકરણ હેઠળ ૨૬ દેશ નિમ્ન આવક, ૫૦ નિમ્ન મધ્યમ આવક, ૫૪ ઉચ્ચ મધ્યમ આવક અને ૮૭ ઉચ્ચ આવકવાળા દેશ હતાં.એસબીઆઇ રિસર્ચ રિપોર્ટનાં જણાવ્યા અનુસાર ભારતને સ્વતંત્રતા પછી નિમ્ન મધ્યમ આવકવાળી કેટેગરીમાંથી બહાર નીકળવામાં ૬૦ વર્ષ લાગ્યા હતાં. ૧૯૬૨માં ભારતની પ્રતિ વ્યકિત જીએનઆઇ ૯૦ ડોલર હતી જે ૨૦૦૭માં વધીને ૯૧૦ ડોલર થઇ હતી.
ત્યારબાદ ભારતે ૨૦૦૯માં પ્રતિ વ્યકિત આવક ૧૦૦૦ ડોલર ૨૦૧૯માં ૨૦૦૦ ડોલર અને ૨૦૨૬ સુધી ૩૦૦૦ ડોલર પ્રતિ વ્યકિત આવક પ્રાપ્ત કરી ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર ભારત આગામી ચાર વર્ષોમાં ૨૦૩૦ સુધી ૪૦૦૦ ડોલર પ્રતિ વ્યકિત આવક પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે જેથી તે ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે અને તે ચીન અને ઇન્ડોનેશિયાના જૂથનો હિસ્સો બની જશે.
