શનિવારે તમિલનાડુના કરુરમાં એક રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 39 લોકોના મોત અને 95થી વધુ ઈજાગ્રસ્તોનો આંકડો સામે આવ્યો છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે આ દુર્ઘટના અંગે તેની પહેલી પ્રતિક્રિયા આપી હતી.
વિજયે કરુરમાં નાસભાગની દુ:ખદ ઘટના પર પોતાનું પહેલું નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે મારું દિલ તૂટી ગયું, મને અસહનીય પીડા થઇ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા વિજયે લખ્યું કે, “મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય, અવર્ણનીય પીડા અને આઘાત અનુભવી રહ્યો છું જે શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું.”

હું ઈજાગ્રસ્તો જલદીથી સાજા થાય તેવી કામના કરું છું. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ તમિલનાડુ સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને મુખ્યમંત્રી રાહત ફંડથી દરેકને 10-10 લાખ રૂપિયા આપવા ઉપરાંત હોસ્પિટલમાં જેમની સારવાર ચાલી રહી તે દરેકને 1-1 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું.

