રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આજે માનવતાને શરમાવે અને હૃદયને હચમચાવી દે તેવો એક દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. બિજોલિયા ઉપખંડના માલ કા ખેડા રોડ પર આવેલા સીતાકુંડના જંગલોમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ 10 થી 12 દિવસના એક નવજાત બાળકને પથ્થરો નીચે દાટીને ત્યજી દીધું હતું. જ્યારે આ માસૂમને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેની કરુણ હાલત જોઈને કોઈ પણનું હૃદય પીગળી જાય અને આંખમાં આંસુ આવી જાય.

ક્રૂરતાની પરાકાષ્ઠા
આ માસૂમ સાથે આ હેવાનિયતભર્યું કૃત્ય કરનારાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. બાળકની ચીસોને દબાવવા માટે તેના મોઢામાં પથ્થર નાખીને ફેવિક્વિકથી ચોંટાડી દેવામાં આવી હતી. પણ કહેવાય છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ આ ઉક્તિ આ નવજાત બાળક માટે સાચી ઠરી. પોતાના પશુઓ ચરાવી રહેલા એક ભરવાડને પથ્થરો પાસેથી બાળકના રડવાનો ધીમો અવાજ સંભળાયો અને તેણે તત્કાળ ગામલોકોને જાણ કરી, જેના કારણે સમયસર માસૂમનો જીવ બચી ગયો.
પથ્થરો નીચેથી આવ્યો ભરવાડને અવાજ
મંગળવારે બપોરે બિજોલિયા પોલીસ સ્ટેશનના સીતાકુંડના જંગલમાં એક ભરવાડ પશુઓ ચરાવતો હતો. ત્યારે તેને પથ્થરો પાસેથી બાળકના રડવાનો ધીમો અવાજ સંભળાયો. નજીક જઈને જોતાં, તેણે પથ્થરો નીચે એક નવજાત બાળકને પડેલું જોયું. તેણે તાત્કાલિક નજીકના મંદિરમાં બેઠેલા ગામલોકોને અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગ્રામજનોની મદદથી બાળકને બહાર કાઢ્યું.
ગરમ પથ્થરથી શરીર દાઝી ગયું હતું
જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે જોતાં જ દ્રશ્ય હચમચાવી નાખનારું હતું. તેનું મોઢું બંધ કરવા માટે તેમાં એક પથ્થર નાખીને ફેવિક્વિકથી ચોંટાડી દેવામાં આવ્યું હતું અને ફેવિક્વિકનું ખાલી પાઉચ પણ પથ્થરો પાસે જ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક 108ની મદદ લઈને માસૂમને બિજોલિયા હોસ્પિટલમાં દાખલ કર્યું. પરંતુ, ત્યાં તેની હાલતમાં સુધારો ન થતાં તેને વધુ સારવાર માટે ભીલવાડા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
માસૂમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલતમાં સુધારો છે, પરંતુ પથ્થર ગરમ હોવાને કારણે તેના શરીરનો ડાબો ભાગ દાઝી ગયો છે. બિજોલિયા પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

