તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે તેઓ શુક્રવારે (12 ડિસેમ્બર) સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે તેમને ટોક્યા હતા. જે બાદ સૌગત રૉયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, કે સદનની અંદર સિગારેટ ન પી શકાય પરંતુ બહાર કોઈ રોક નથી.

ભાજપના નેતાઓએ સૌગત રૉયને કરી હતી ટકોર
ભાજપના નેતા ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે સૌગત રૉયને સિગારેટ ન પીવા ટકોર કરી હતી. ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, ‘તમે પબ્લિક હેલ્થને જોખમમાં મૂકી રહ્યા છો દાદા. વળી, ગિરિરાજ સિંહે કહ્યું કે, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 2019માં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો અને જો કોઈ સાંસદ ગૃહની અંદર ઈ-સિગારેટ પીવે છે તો તે ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. જેનાથી જાણ થાય છે કે, TMC ગૃહનું કેટલું સન્માન કરે છે.
સૌગત રૉયે આજે ફરી જવાબ આપ્યો- મારી એક સિગારેટથી ફરક નહીં પડે
આ મામલે સૌગત રૉયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘ગૃહની અંદર સિગારેટ ન પી શકાય, ગૃહની બહાર ખુલ્લી જગ્યામાં પી શકાય. ભાજપ આરોપ લગાવી રહી છે પરંતુ, તેમની જ સરકારના સમયમાં દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે. પરંતુ, તેઓ આના વિશે વાત નહીં કરે. મારી એક સિગારેટથી દિલ્હીના પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે. ભાજપ પહેલાં દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરે.’
ઈ સિગારેટ વિશે TMC સાંસદે શું કહ્યું?
જોકે, જ્યારે તેમને ઈ-સિગારેટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, એ વિશે મને કંઇ ખબર નથી. કારણ કે, હું ગૃહમાં નહોતો અને મને નથી ખબર કે, કોણે ઈ-સિગારેટ પીધી અને કોણે ફરિયાદ કરી. જો આ નિયમોનું ઉલ્લંઘન છે તો સ્પીકરે તપાસ કરવી જોઇએ અને એક્શન લેવું જોઈએ. તેને રાજકીય મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે?
ગઇકાલે અનુરાગ ઠાકુરે ઈ-સિગારેટની ફરિયાદ કરી હતી
નોંધનીય છે કે, ભાજપ સાંસદ અનુરાગ સિંહે ઠાકુરે શુક્રવારે (12 ડિસેમ્બર) લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ગૃહમાં ઈ-સિગારેટના ઉપયોગની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, 11 ડિસેમ્બર, 2025ના દિવસે ગૃહની કાર્યવાહી દરમિયાન એક સાંસદ જાહેરમાં ઈ-સિગારેટ પીતાં કરતા જોવા મળ્યા, જે સંસદના નિયમ, આચાર સંહિતા અને ભારતમાં ઈ-સિગારેટ પર લાગેલા પૂર્ણ પ્રતિબંધનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 2019ના કાયદા હેઠળ ઈ-સિગારેટનું નિર્માણ, ભંડાર, વેચાણ અને ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. જોકે, સંસદ પરિસરમાં એવા ઉપકરણનો ઉપયોગ 2000થી જ પ્રતિબંધિત છે. આ લોકતાંત્રિક સંસ્થાની મર્યાદાની વિરૂદ્ધ છે તેથી આ મામલે તુરંત કાર્યવાહી, તપાસ અને સંબંધિત સાંસદ પર કડક પગલાં લેવામાં આવે. આવી ઘટનાઓ ખોટો સંદેશ આપે છે અને ગૃહની ગરિમા જાળવી રાખવા કડક કાર્યવાહી જરૂરી છે.
