અફઘાનિસ્તાનના તાલિબાની વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીનું શનિવારે ઇસ્લામિક મદરેસા દારુલ ઉલૂમ, દેવબંદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના પર લેખક-ગીતકાર જાવેદ અખ્તરે નારાજગી વ્યક્ત કરી છે. તાલિબાન આતંકવાદ અને શિક્ષણના નિયંત્રણને પ્રોત્સાહન આપતું હોવાથી જાવેદ અખ્તરે ભારત યાત્રા દરમિયાન તાલિબાન વિદેશ મંત્રી મુત્તાકીને મળેલા સન્માન અને સ્વાગતની ટ્વીટ દ્વારા નિંદા કરી છે.

તાલિબાન પ્રતિનિધિના સ્વાગત પર જાવેદ અખ્તરે કરી ટીકા
જાવેદ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘જ્યારે હું જોઉં છું કે વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી સમૂહ તાલિબાનના પ્રતિનિધિનું સન્માન અને સ્વાગત એવા લોકો દ્વારા કરવામાં આવ્યું, જેઓ દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધ બોલે છે, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે. દેવબંદે પણ શરમ અનુભવવી જોઈએ કે તેણે એક એવા ‘ઇસ્લામી નાયક’નું આટલું સન્માનપૂર્વક સ્વાગત કર્યું, જેણે છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. મારા ભારતીય ભાઈઓ અને બહેનો, આપણી સાથે આ શું થઈ રહ્યું છે?’
શું છે દારુલ ઉલૂમ દેવબંદ?
દારુલ ઉલૂમ દેવબંદ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આવેલું એક ઇસ્લામિક મદરેસા છે. તેની વિશેષતા એ છે કે અહીં દેશ અને દુનિયામાંથી લોકો ભણવા આવે છે અને અનેક વિદ્વાનો અહીંથી ભણીને બહાર નીકળ્યા છે. એટલા માટે જ જાવેદ અખ્તરે તાલિબાન નેતાનું ભવ્ય સ્વાગત કરવા બદલ સહારનપુર સ્થિત દારુલ ઉલૂમ દેવબંદની પણ ટીકા કરી છે.

