કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે ફરી વિવાદ છેડયો છે. તેમણે કહ્યું છે કે મારે નમક હરામ લોકોના મત નથી જોઇતા, બિહારના અરવાલમાં ચૂટણી પ્રચારની રેલીને સંબોધતા ગીરીરાજે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. સાથે જ કહ્યું હતું કે મુસ્લિમો કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ લે છે પરંતુ અમને (ભાજપ)ને મત નથી આપતા.

બિહારમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં નેતાઓ બેફામ આરોપો લગાવીને મત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. જેમાં હવે કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહનો પણ સમાવેશ થઇ ગયો છે. ગીરીરાજે કહ્યું હતું કે મુસ્લિમો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લે છે. પરંતુ તેઓ અમને મત નથી આપતા, આવા લોકોને નમક હરામ કહેવામાં આવે છે. મારી વાતો સાથે સંમત નહીં થનારા એક મૌલવીને મે કહ્યું હતું કે મને મત નહીં આપતા. મારે આવા નમક હરામના મતો નથી જોઇતા. ભાજપના સાંસદ ગીરીરાજે દાવો કર્યો હતો કે બિહારમાં વિકાસના કાર્યો થઇ રહ્યા છે. એનડીએ સરકાર તમામ વર્ગના લોકો માટે કામ કરે છે. પરંતુ મુસ્લિમો ભાજપને મત નથી આપતા. ગીરીરાજના દાવાઓને સાથ આપતા જદ(યુ)ના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર યોજનાઓનો લાભ પહોંચતો કરવામાં કોઇ ભેદભાવ નથી કરતી. તેમ છતા એક ચોક્કસ વર્ગના લોકોના મત નથી મળતા. બાદમાં આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે જગજાહેર છે કે ભાજપના નેતાઓ માત્ર હિન્દુ મુસ્લિમનો મુદ્દો જ છેડશે, તેઓ વધી રહેલી બેરોજગારી, મોઘવારી, સારા શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે વાત નહીં કરે. જ્યારે પણ તમે વિકાસની વાત કરશો ત્યારે ભાજપના નેતાઓ હિન્દુ-મુસ્લિમ મુદ્દો છંછેડશે. આવુ કરી તેઓ મૂળ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે.

