કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલાને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ૨૦૦૮માં મુંબઇમાં આ આતંકી હુમલા થયા તે બાદ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની સરકાર જવાબી કાર્યવાહી માટે પાકિસ્તાન પર હુમલા કરવાની હતી,

જોકે અમેરિકાના દબાણને પગલે આ હુમલો નહોતો કરવામાં આવ્યો. ચિદંબરમના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરી હતી.એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું હતું કે મુંબઇ હુમલા બાદ પુરી દુનિયા યુદ્ધ ના કરો તેવુ કહેવા માટે દિલ્હી આવી હતી. તે સમયના અમેરિકાના વિદેશમંત્રી કોંડોલીઝા રાઇસ મને અને તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને મળવા માટે ભારત આવ્યા હતા. તે સમયે મારા મનમાં પાકિસ્તાનને વળતો જવાબ આપવાનો વિચાર ચાલી રહ્યો હતો, જે અંગે મે અમેરિકાના વિદેશમંત્રીને પણ જાણકારી આપી હતી. ૨૦૦૮ના મુંબઇ હુમલાના થોડા જ દિવસો બાદ પી. ચિદંબરમે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ વધુમાં કહ્યું હતું કે અમેરિકાના વિદેશમંત્રી કોંડોલીઝા રાઇસ મને અને વડાપ્રધાનને મળ્યા હતા ત્યારે પાકિસ્તાન પર વળતા હુમલા અંગે ચર્ચા થઇ હતી, આ દરમિયાન તેમણે અમને કહ્યું હતું કે પાકિસ્તાન સામે કોઇ જવાબી કાર્યવાહી ના કરશો. બાદમાં કોઇ જ ગુપ્ત માહિતી જાહેર કર્યા વગર મે એમને કહ્યું હતું કે જવાબી કાર્યવાહીનો નિર્ણય સરકારે લીધો છે. મને પણ તે સમયે લાગ્યું હતું કે આપણે વળતો પ્રહાર કરવો જોઇએ, મે આ મુદ્દે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને પણ અન્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. બીજી તરફ ચિદંબરમના આ ખુલાસા બાદ ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએે કહ્યું હતું કે પી. ચિદંબરમ પાક. પર હુમલો કરવા માગતા હતા પરંતુ શું કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને મનમોહનસિંહે તેમને રોક્યા હતા? એવુ લાગી રહ્યું છે કે યુપીએ સરકાર અમેરિકાના દબાણમાં કામ કરી રહી હતી.

