મુંબઈની લાઇફલાઇન ગણાતી મેટ્રો 3 (Aqua Line) હવે માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પદયાત્રીઓ માટે એક આધુનિક અંડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRCL) દ્વારા BKC અને સાયન્સ સેન્ટર જેવા સ્ટેશનોથી ઑફિસ કોમ્પ્લેક્સ અને પ્રવાસન સ્થળોને જોડવા માટે અંદાજે 3 કિમી લાંબુ ટનલ નેટવર્ક બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કયા વિસ્તારોને મળશે કનેક્ટિવિટી?
આ પ્રોજેક્ટ હેઠળ બે મુખ્ય સ્ટેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટર સ્ટેશન અહીંથી 1.1 કિમી લાંબી ટનલ મહાલક્ષ્મી રેસકોર્સ થઈને વરલી પ્રોમેનેડ સુધી જશે. બીજી 500 મીટરની ટનલ નેહરુ પ્લેનેટોરિયમને જોડશે. બીજું BKC મેટ્રો સ્ટેશન અહીંથી 1.4 કિમીની અંડરગ્રાઉન્ડ લિંક આગામી હાઇ-સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન) અને ડાયમંડ બોર્સને સીધી કનેક્ટિવિટી આપશે.
ટોક્યો જેવો અનુભવ અને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ
નિષ્ણાતોના મતે, આ સબવે માત્ર રસ્તો ઓળંગવા માટે જ નહીં પરંતુ ટોક્યોના શિંજુકુ સ્ટેશનની જેમ એક્ટિવ પબ્લિક એન્વાયરમેન્ટ તરીકે વિકસાવવા જોઈએ. જેમાં રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ અને હૉકર માર્કેટનો સમાવેશ કરી શકાય, જે મેટ્રોની આવકમાં પણ વધારો કરશે.
સરકારે TOD પોલિસી અમલી બનાવી
સરકારે આ માટે TOD પોલિસી અમલી બનાવી છે. આ પોલિસી હેઠળ ડેવલપર્સ તેમના પ્લોટ પર 100% સુધી વધારાની FSI મેળવી શકશે, પરંતુ બદલામાં તેમણે પોતાના ખર્ચે બિલ્ડિંગને મેટ્રો સ્ટેશન સાથે અંડરગ્રાઉન્ડ વોક-વે દ્વારા જોડવી પડશે. જો આ જોડાણ પૂર્ણ નહીં થાય, તો બિલ્ડિંગને ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવામાં આવશે નહીં.
સુરક્ષા અને સુવિધાના પડકારો
ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ટનલની સફળતા તેની સુવિધા પર નિર્ભર છે. મેટ્રો સ્ટેશનો જમીનથી 10-25 મીટર ઊંડા હોવાથી દરેક એન્ટ્રી-એક્ઝિટ પર એસ્કેલેટર અને લિફ્ટ હોવી અનિવાર્ય છે. ઉપરાંત, પૂરતો પ્રકાશ, વેન્ટિલેશન અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોવી જોઈએ જેથી મુસાફરોને ક્લોસ્ટ્રોફોબિયા (બંધ જગ્યાનો ડર) જેવી સમસ્યા ન થાય.

