મેમરી ચીપની કિંમતોમાં વધારો થતાં આવનારા દિવસોમાં લેપટોપ, સ્માર્ટફોન, ટીવી જેવા ઈલેકટ્રોનિક સાધનોના ભાવમાં ૪થી ૮ ટકા જેટલો વધારો તોળાઈ રહ્યો છે. ગયા વર્ષના અંતિમ મહિનાઓમાં આ સાધનોના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો હતો.

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીમાં ચીપ્સના વ્યાપક વપરાશથી તાજેતરના દિવસોમાં તેની માગમાં વધારો થયો છે. આ વધારો સતત જોવા મળતો રહેશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે. વૈશ્વિક મેમરી માર્કેટ હાલમાં તેજીના તબક્કામાં છે. છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ૪૫ ટકા વધારા બાદ આગામી દિવસોમાં ભાવમાં ૩૫થી ૪૦ ટકા વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
સ્માર્ટફોન્સની કેટલીક બ્રાન્ડસ દ્વારા વર્તમાન મહિનામાં ભાવમાં રૂપિયા ૩૦૦૦થી ૪૦૦૦ સુધીનો વધારો કરાયાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
માગમાં જોરદાર વધારાને પરિણામે મેમરી ચીપ્સમાં પૂરવઠા ખેંચ વર્તાઈ રહી હોવાનો પણ ઉદ્યોગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. ઈલેકટ્રોનિક સાધનોની કિંમતમાં વધારાથી ટૂંકા ગાળે માગ પર અસર પડવા શકયતા જોવાઈ રહી હોવાનું ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. ભાવમાં વધારાને કારણે વેચાણ વોલ્યુમ પર અસર પડશે. ખાસ કરીને રૂપિયા ૨૦,૦૦૦ની આસપાસના મોબાઈલની માગમાં ઘટાડો જોવા મળવા સંભવ છે.

