મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઈડીએ પહેલી વખત ભારત-મ્યાંમારની સરહદે દરોડાં પાડયા હતા. એમાં ૫૨ કરોડ રૂપિયાના હવાલાની દેવડલેવડ સામે આવી છે. ઈડીએ આ મામલે વધારે ઊંડાણથી તપાસ હાથ ધરી છે. મની લોન્ડરિંગ અને ડ્રગ્સના આ રેકેટમાં ગુજરાતની કંપનીઓની સંડોવણી પણ ખુલી છે.

ઈડીએ ભારત-મ્યાંમારની સરહદે મની લોન્ડરિંગના કેસમાં દરોડાં પાડયા હતા. એમાં ૪.૭૨ કિલો હેરોઈન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૧.૪૧ કરોડ રૂપિયા છે. તે સિવાય ૩૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમના આઈઝોલ અને ચમ્ફાઈ, આસામના શ્રીભૂમિ અને ગુજરાતમાં અમદાવાદ સુધી આ ડ્રગ્સનું રેકેટ ફેલાયેલું છે. મિઝોરમ પોલીસે ડ્રગ્સ મળ્યા પછી આગળની તપાસ કરી હતી. એ પછી ઈડીની તપાસમાં આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.ગુજરાતની ઘણી કંપનીઓ આ રેકેટમાં સંડોવાયેલી હોવાથી એ દિશામાં ઈડીએ તપાસ હાથ ધરી છે. ગુજરાતની કંપનીઓ પ્રતિબંધિત દવાઓ મિઝોરમ પહોંચાડતી હતી. એ દવાઓનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થતો હતો. ગુજરાતમાંથી મિઝોરમ જતો પ્રતિબંધિત દવાઓનો જથ્થો ચમ્ફાઈ પહોંચતો હતો. ત્યાંથી સ્મગલિંગ અને હવાલાનું નેટવર્ક ચાલતું હતું. મિઝોરમની આ કંપનીઓનું કનેક્શન બંગાળની કંપનીઓ સાથે પણ હતું. કેમિકલ ભારતમાંથી મ્યાંમાર જતું હતું અને પછી ડ્રગ્સના સ્વરૂપે ફરીથી એને ભારતમાં ઘૂસાડાતું હતું. મિઝોરમના રસ્તે ભારત આવેલો ડ્રગ્સનો જથ્થો દેશના જુદા જુદા રાજ્યોમાં પહોંચાડવાનું આખું રેકેટ ચાલતું હતું. ઈડીને હવાલા નેટવર્કના માધ્યમથી ૫૨.૮ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનું પણ જણાયું છે. એ દિશામાં હવે તપાસ આગળ વધશે.

