રખડતા કૂતરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે રખડતા કૂતરા નાગરિકોને કરડે તો તેવી સ્થિતિમાં પીડિતને રાજ્ય સરકારોએ વળતર તરીકે મોટી રકમ આપવી પડશે, આ ભારે વળતર ચૂકવવા માટે રાજ્યોને અમે આદેશ આપીશું. એટલુ જ નહીં રખડતા કૂતરાઓને ખવડાવનારાઓને પણ અમે જવાબદાર ઠેરવીશું તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મેહતા અને એનવી અંજારિયાની બેંચે રખડતા કૂતરાઓને કારણે લોકો ઘાયલ થઇ રહ્યા છે તેમજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે દરેક ડોગ બાઇટ (કૂતરુ કરડે)થી જો બાળકો કે વૃદ્ધોનું મોત થાય અથવા ઘાયલ થાય તો તેવી સ્થિતિમાં પીડિતને મોટું વળતર ચુકવવા માટે અમે રાજ્ય સરકારોને આદેશ આપીશું. રખડતા કૂતરાઓની સમસ્યા અંગે જે આદેશ અપાયા છે તેનો છેલ્લા પાંચ વર્ષથી કોઇ જ અમલ નથી થયો. જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેમને પણ જવાબદાર ઠેરવીશું, જો આવા લોકોને પશુઓ પ્રત્યે બહુ જ પ્રેમ ઉભરાતો હોય તો પછી તેમણે રખડતા કૂતરાઓને પોતાના ઘરે લઇ જવા જોઇએ. આ કૂતરા લોકોને કરડે તે માટે તેમને રખડતા છોડી દેવાની છૂટ કેમ આપીએ?
ન્યાયાધીશ મેહતાએ સવાલ કર્યો હતો કે નવ વર્ષના બાળક પર જ્યારે રખડતા કૂતરા હુમલો કરે ત્યારે કોને જવાબદાર ઠેરવવા? આ કૂતરાને ખાવાનું આપી રહી છે તે સંસ્થાઓને? સરકાર એવુ ઇચ્છે છે કે શું અમે આ સમસ્યાની સામે આંખ આડા કાન કરી લઇએ? ગુજરાતના એક વકીલને પાર્કમાં કૂતરુ કરડવાની ઘટના સામે આવી હતી, જ્યારે મ્યૂનિ. પ્રશાસન રખડતા પશુઓને પકડવા માટે નિકળ્યા ત્યારે પોતાને ડોગ લવર્સ ગણાવનારા વકીલોએ જ આ પ્રશાસનના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. ચાર દિવસથી આ મુદ્દે અમે દલીલો સાંભળી રહ્યા છીએ, કેન્દ્ર અને રાજ્યોને હજુસુધી સાંભળવાની તક નથી મળી, તમામ વકીલોને વિનંતી છે કે અમને આદેશ આપવા દો, રાજ્યો અને કેન્દ્ર સરકારનો અડધો દિવસ સુધી જવાબ સાંભળવો છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે કોઇ આયોજન કે પ્લાન છે કે કેમ તે જાણવા માગીએ છીએ. ગયા વર્ષે જુલાઇ મહિનામાં સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને કારણે લોકો હડકવાનો શિકાર બની રહ્યા છે તેવી ઘટનાઓની સુઓમોટો નોંધ લઇને આ સમસ્યા મુદ્દે સુનાવણી શરૂ કરી હતી.
કેટલાક પશુ પ્રેમીઓએ રખડતા કૂતરાઓ સામે કાર્યવાહી ના કરવાની માગ સાથે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, આવી જ એક ડોગ લવર મહિલાએ સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે કોમ્યુનિટી ડોગે કોઇ જ ઉશ્કેરણી વગર મને બટકુ ભર્યું હતું, આ કૂતરાની સાથે લાંબા સમયથી ક્રૂરતા કરવામાં આવી હતી, ડરને કારણે બચાવમાં તેણે બટકુ ભર્યું. એક અરજદારના વકીલે દલીલ કરી હતી કે રખડતા કૂતરા એક ભાવૂક મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સને ટકોર કરતા સવાલ પૂછ્યો હતો કે તમારી સંવેદના કે ભાવુકતા માત્ર કૂતરાઓ પુરતી જ છે? મનુષ્યો માટે કોઇ જ સંવેદના નથી? આ મામલે હવે ૨૦મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે જે દરમિયાન રાજ્યો અને કેન્દ્ર સરકારની દલીલો સાંભળવામાં આવશે.

