રાજસ્થાનમાં સામાન્ય કફ સિરપથી બે બાળકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બાળકો કફ સિરપથી મૃત્યુ પામ્યા નથી. આ વાત સાબિત કરવા માટે, એક ડૉક્ટરે પોતે કફ સિરપ પીધી હતી, પરંતુ જે બન્યું તે ચોંકાવનારું હતું. કફ સિરપ પીધાના આઠ કલાક પછી ડૉક્ટર પોતે તેની કારમાં બેભાન હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કફ સિરપ કેસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી.

કફ સિરપ પીવાથી બે બાળકોના મોત
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સીકરના એક 5 વર્ષના છોકરાનું સોમવારે કફ સિરપ પીધાના થોડા કલાકો પછી મૃત્યુ થયું. બાળકને શરદી થઈ હતી, અને તેના માતાપિતા તેને ચિરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. નીતિશ સવારે ત્રણ વાગ્યે જાગી ગયો અને હેડકી આવતી હોવાથી તેની માતાએ પાણી આપતા બાળક પાછો સૂઈ ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો જ ન હતો. સોમવારે, બાળકના માતા-પિતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના કાકાએ જણાવ્યું હતું કે, ‘નીતિશ તે દિવસે ઠીક હતો અને તે સાંજે નવરાત્રિના કાર્યક્રમમાં પણ ગયો હતો. તે રાત્રે તેને ફરીથી ખાંસી આવાની શરૂ થઈ તો ચિરાના CHC માંથી દવા આપી હતી અને સવારે તે જાગી રહ્યો ન હોવાથી અમે તેને CHC લઈ ગયા, જ્યાં કમ્પાઉન્ડરે અમને તેને સીકરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું.’અહેવાલો અનુસાર, 22 સપ્ટેમ્બરના રોજ બે વર્ષના સમ્રાટ જાધવ નામના બાળકનું કફ સિરપ પીવાથી મૃત્યુ થયું હતું. સમ્રાટ જાધવની માતાએ જણાવ્યું કે, સમ્રાટ, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટને શરદી થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાં કેસન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપવામાં આવ્યું. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોને કફ સિરપ પીવડાવ્યું હતું. પાંચ કલાક પછી તેમાંથી કોઈ જાગ્યું નહીં. પરિવાર ગભરાઈ ગયો. સાક્ષી અને વિરાટ અચાનક જાગી ગયા અને ઉલટી કરી, પરંતુ સમ્રાટ ના જાગ્યો. ત્યારબાદ પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં 22 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું.

