રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નાં સંસ્થાપક અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં પત્ની અને બિહારનાં પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં જ્યાં તે છેલ્લા ૨૦ વર્ષથી રહે છે તેમ પક્ષે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું.

રાજદના પ્રદેશ અધ્યક્ષ મંગની લાલ મંડલે આ ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રાજ્યના ભવન નિર્માણ વિભાગે નોટિફિકેશન જારી કરી રાબડી દેવીને ૩૯, હાર્ડિંગ રોડ પર આવેલા રહેઠાણમાં સ્થળાંતરિત થવા જણાવ્યું હતું. જેને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતાનાં સરકારી નિવાસ સ્થાન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં મંડલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન નીતીશકુમારનાં સત્તાવાર નિવાસ સ્થાન ૧, અણ્ણે માર્ગની સામે આવેલા ૧૦, સર્ક્યુલર રોડનો બંગલો કોઇ પણ કીંમતે ખાલી કરવામાં આવશે નહીં.તેમણે આરોપ મૂક્યો હતો કે આ નિર્ણય અમારા નેતા લાલુ પ્રસાદ પ્રત્યે સત્તાધારી એનડીએનો દ્વેષ દર્શાવે છે. તેમણે પ્રશ્ર કર્યો હતો કે અંતે ૨૦ વર્ષ પછી વિધાન પરિષદનાં વિરોધ પક્ષનાં નેતા માટે સરકારી નિવાસ સ્થાન ચિહ્નિત કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો? જો આ નિર્ણય લેવો જરૃરી હતો કે પછી સરકારે ૧૦, સર્ક્યુલર રોડનાં બંગલાને જ વિધાન પરિષદનાં વિરોધ પક્ષનાં નેતા માટે કેમ ચિહ્નિત ન કર્યો? તેમણે એ બાબત ધ્યાનમાં રાખવાની જરૃર હતી કે આ નિવાસ સ્થાનના રહેવાસી લાલુ પ્રસાદ અને રાબડી દેવી બંને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે.
રાજ્યના પ્રધાન સંતોષકુમાર સુમને જણાવ્યું હતું કે રાબડી દેવીને આ બંગલો પૂર્વ મુખ્યપ્રધાનોને આજીવન સરકારી બંગલો આપવાની જોગવાઇ હેઠળ આપવામાં આવ્યો હતો. જો કે કેટલાક વર્ષો પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટે આ જોગવાઇને રદ કરી છે

