અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા સ્થાપિત થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, જે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પોતાના જ દેશમાં હિન્દુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ પર થતા શોષણ, દુષ્કર્મ અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ પ્રત્યે હંમેશા અવગણના કરે છે, તેણે એવો પાયાવિહોણો દાવો કર્યો હતો. આ મામલે ભારત-પાક. વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા છે અને તેને બેવડા ધોરણોનું ઉદાહરણ ગણાવ્યું છે.

પાકિસ્તાનની આલોચના નૈતિક કે તથ્ય આધારિત નથી: MEA
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે, ‘પાકિસ્તાનની આલોચના ન તો હકીકત આધારિત છે, ન તો તેનો કોઈ નૈતિક આધાર છે.’ તેમણે પાકિસ્તાનના કટ્ટરતા, તાનાશાહી અને લઘુમતીઓના દમનના ઇતિહાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘તે ભારતને ધાર્મિક આઝાદી પર ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી. ધ્વજારોહણ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થા સાથે જોડાયેલો મામલો છે અને તેમાં કોઈ બહારના દેશના અભિપ્રાયનું મહત્ત્વ નથી.’
ભારતે આપ્યો આકરો જવાબ
ભારતે આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાકિસ્તાને ભારતના ધાર્મિક આયોજનોમાં દખલ દેતા પહેલાં પોતાના દેશની બગડેલી સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.’ વિદેશ મંત્રાલય(MEA)એ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ, જબરદસ્તી ધર્માન્તરણ, મંદિરો અને ચર્ચો પર હુમલા અને માનવાધિકાર ઉલ્લંઘન જેવી ઘટનાઓ સતત થતી રહી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનનો ઉપદેશ પાખંડ સિવાય બીજું કંઈ નથી.’
રામ મંદિર પર પાકિસ્તાનનો પાયાવિહોણો આક્ષેપ
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા ધ્વજા સ્થાપિત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે ચિંતા અને ગંભીરતા વ્યક્ત કરી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ બનાવને હિન્દુત્વની વિચારસરણીના પ્રભાવ હેઠળ ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો હતો. તેમજ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
જોકે, રામ મંદિરનું નિર્માણ ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયું છે, તેમ છતાં પાકિસ્તાનના વિદેશ વિભાગે આ નિર્ણયને અવગણીને કહ્યું છે કે, ‘બાબરી મસ્જિદ એક સદી જૂનું ઐતિહાસિક સ્થળ હતું.’ આ ઉપરાંત, પાકિસ્તાને 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને વાહિયાત પ્રોપગન્ડા ફેલાવતાં આરોપ લગાવ્યો કે, ‘ભારતીય તંત્ર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવો જોઈએ’
