પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેનું પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ (Four Stars of Destiny) હાલ ભારતીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હાથમાં આ અપ્રકાશિત પુસ્તકની હાર્ડકોપી જોવા મળતા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.
આ પુસ્તક જનરલ નરવણેની ચાર દાયકાની સૈન્ય કારકિર્દી પર આધારિત છે, જેમાં ખાસ કરીને ચીન સાથેના સરહદી સંઘર્ષ (LAC) અને સરકારની ‘અગ્નિપથ યોજના’ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના મંતવ્યો હોવાનું માનવામાં આવે છે. વિપક્ષનો દાવો છે કે આ વિષયો અત્યંત સંવેદનશીલ હોવાથી જ સરકાર આ પુસ્તકની સમીક્ષા અટકાવી રહી છે. સંરક્ષણ મંત્રાલયે 2020 થી 2024 વચ્ચે 35 પુસ્તકોને મંજૂરી આપી છે, પરંતુ આ પુસ્તક હજુ પણ મંજૂરીની પ્રક્રિયામાં અટવાયેલું છે.

નિયમ મુજબ, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પુસ્તક લખી શકે છે, પરંતુ ‘ઓફિશિયલ સિક્રેટ એક્ટ’ હેઠળ તેઓ સંવેદનશીલ માહિતી શેર કરી શકતા નથી. આથી પ્રકાશન પહેલા સંરક્ષણ મંત્રાલયની મંજૂરી લેવી અનિવાર્ય છે. અહેવાલો મુજબ, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા દ્વારા આ પુસ્તકની કેટલીક નકલો 2024માં જ દિલ્હીની દુકાનોમાં પહોંચી ગઈ હતી, પરંતુ વિવાદ વધતા તેને પરત ખેંચી લેવાઈ હતી. હવે પ્રશ્ન એ છે કે શું પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું હતું?
સૌથી મોટો રહસ્યમય સવાલ એ છે કે જે પુસ્તક પબ્લિક ડોમેનમાં નથી, તેની હાર્ડકવર કોપી રાહુલ ગાંધી પાસે ક્યાંથી આવી? સૂત્રોનું માનીએ તો, રાહુલ ગાંધીને આ કોપી સીધી લેખક (નરવણે) તરફથી મળી હોઈ શકે છે, જોકે આ બાબતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાએ સંસદમાં મંજૂરી પ્રક્રિયાની ખામીઓ અને પ્રકાશન ગૃહોની ઉતાવળ પર મોટી ચર્ચા છેડી દીધી છે.
