વડાપ્રધાન મોદીએ શનિવારે વારાણસીથી 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. તેમણે કહ્યું કે, ‘વિશ્વના વિકસિત દેશોના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા રહી છે અને ભારત પણ તે જ માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘સારી કનેક્ટિવિટી શહેરના વિકાસને વેગ આપે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર મોટા પુલો કે હાઇવે સુધી સીમિત નથી.’
સૌગાતરૂપ 4 ટ્રેન
- કાશીથી ખજુરાહો વંદે ભારત
- ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત
- લખનઉ-સહારનપુર વંદે ભારત
- એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત
આ 4 નવી વંદે ભારત ટ્રેન સાથે, હવે દેશમાં 160થી વધુ વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ‘વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત’ જેવી ટ્રેનોને ભારતીય રેલવેની આગામી પેઢીનો પાયો ગણાવતા કહ્યું કે આ ટ્રેન ભારતીય રેલવેને બદલવાનું એક સંપૂર્ણ અભિયાન છે. વંદે ભારત એ ભારતીયોની, ભારતીયો દ્વારા, ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે.’

ડીઆરએમ ગૌરવ અગ્રવાલના જણાવ્યા મુજબ, આજે ચાર નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી છે, જેમાં લખનઉ-સહારનપુર રૂટની ટ્રેન સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.એક સ્થાનિક નાગરિકે આ ભેટને પ્રશંસનીય ગણાવી હતી. તેમણે કહ્યું કે, કાશી આવતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન મહત્ત્વની છે, કારણ કે તે કાશી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સાથે ઐતિહાસિક અને વિશ્વ ધરોહર સ્થળ ખજુરાહોને પણ જોડે છે.
ચાર નવી ટ્રેનમાં બનારસ–ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ સૌથી મહત્ત્વપૂર્ણ છે, જે કાશી અને સમગ્ર પૂર્વાંચલ માટે મોટી ભેટ ગણાય છે. આ ટ્રેન બનારસ, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડીને ધાર્મિક પર્યટનને નવી ગતિ આપશે. આ નવી વંદે ભારત સેવા મુસાફરોને વર્તમાન સ્પેશિયલ ટ્રેનોની તુલનામાં લગભગ 2 કલાક 40 મિનિટનો સમય બચાવીને ઝડપી, આરામદાયક અને આધુનિક યાત્રાનો અનુભવ આપશે.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી સ્ટેશનથી ચાર વંદે ભારત સેવાઓને લીલી ઝંડી બતાવી. આ તમામ સેવાઓ મુસાફરોને સુવિધા પ્રદાન કરશે. ભલે તે અમૃત ભારત ટ્રેન હોય, નમો ભારત હોય કે વંદે ભારત, મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી પેઢીની ટ્રેનો સતત શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે જ, દેશભરના 1300 સ્ટેશનો પર પણ પુનર્વિકાસનું કામ ચાલી રહ્યું છે.’

