આગામી રવિવાર, તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વર્ષનું અંતિમ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે, જેનો અદ્ભુત નજારો વિશ્વના અમુક ભાગોમાં જોવા મળશે, પરંતુ ભારતમાં તે દેખાશે નહીં. ભારત જન વિજ્ઞાન જાથા (Jatha)એ આ ખગોળીય ઘટના અંગે વૈજ્ઞાનિક સમજ આપતા જણાવ્યું છે કે ગ્રહણ એ માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની એક રમત છે, જેનો માનવજીવન પર કોઈ અસર થતી નથી.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ પેસિફિક, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા અને ફિજી જેવા પ્રદેશોમાં જોવા મળશે. આ પ્રદેશોમાં વૈજ્ઞાનિકો આ ઘટનાનો અભ્યાસ માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરી રહ્યા છે. ગ્રહણની કુલ અવધિ ૪ કલાક અને ૨૪ મિનિટની રહેશે.
ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં, તેમ છતાં પણ જાથા દ્વારા ગ્રહણ સંબંધી અંધશ્રદ્ધા અને ભ્રામકતા દૂર કરવા માટે રાજ્યભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. પંડયાએ ભારપૂર્વક જણાવ્યું કે ગ્રહણના સમયે સૂતક-બૂતક, દાન-પુણ્ય, સ્નાન, જપ-તપ અને રાશિ ફળકથનો જેવી વાતો માત્ર લેભાગુઓ દ્વારા આર્થિક અને માનસિક શોષણ માટે ફેલાવવામાં આવે છે. વિજ્ઞાનએ સાબિત કર્યું છે કે ગ્રહણની માનવજીવન, પૃથ્વી કે કુદરત પર કોઈ નકારાત્મક અસર થતી નથી. તેથી, આ પ્રકારના કર્મકાંડો અને વિધિઓ પર વિશ્વાસ ન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

જાથાએ જણાવ્યું છે કે લોકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને આવી ઘટનાઓને માત્ર કુદરતી અને ખગોળીય અજાયબી તરીકે જોવી જોઈએ, નહિ કે કોઈ અશુભ ઘટના તરીકે. જાથાની રાજ્ય અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા આ ગ્રહણની વૈજ્ઞાનિક સમજ લોકો સુધી પહોંચાડવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

