NATIONAL : વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

0
44
meetarticle

બિહાર બાદ દેશના અન્ય રાજ્યોમાં શરૂ થયેલ એસઆઇઆર એટલે કે મતદાર વેરિફિકેશન પ્રક્રિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ હતી, કેરળ સરકાર દ્વારા પણ આવી જ માગણી કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. આ સાથે જ અન્ય રાજ્યો દ્વારા એસઆઇઆર વિરુદ્ધ કરાયેલી અરજીઓની સુનાવણી માટે પણ સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત, એસએનવી ભટ્ટી અને જોયમાલ્યા બાગ્ચીની બેંચે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. કેરળ સરકાર તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલે કહ્યું હતું કે ચૂંટણી પંચ એક તરફ કેરળમાં મતદાર વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી રહી છે જ્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. બન્ને પ્રક્રિયા એક સાથે ના યોજાઇ શકે, આ મામલામાં વહેલીતકે ધ્યાન આપવાની જરૂર છે. બાદમાં સુપ્રીમની બેંચે નોટિસ પાઠવીને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ મામલે ૨૬મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.આ પહેલા ડીએમકે, સીપીઆઇ(એમ), પશ્ચિમ બંગાળ કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસના નેતાઓ દ્વારા એસઆઇઆરને પડકારતી અરજીઓ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન ૧૧ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ વેરિફિકેશન ચાલી રહ્યું છે જેને સુપ્રીમમાં પડકારાયું છે. બીજી તરફ કોલકાતાના સાત બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ)ને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એસઆઇઆરના ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં નિષ્ફળ રહેવાને બદલે આ નોટિસ પાઠવવામાં આવી છે. અને યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરવામાં કેમ ના આવી તેનો જવાબ માગવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે અહીંના હુગલી જિલ્લાના બલાગઢ વિસ્તારના પોતાગાછી ગામના આશરે ૯૦૦ લોકોના નામ જ ૨૦૦૨ની મતદાર યાદીમાં નથી, સ્થાનિકોનો દાવો છે કે તેઓનો જન્મ અહીંયા જ થયો છે. મતદાન પણ કરી ચુક્યા છે જોકે હવે યાદીમાં નામ નથી. હાલ જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઇ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here