ઉત્તર પ્રદેશમાં સંગમ તટ પર આયોજિત માઘ મેળામાં તંત્ર અને જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 48 કલાકમાં તંત્રે શંકરાચાર્યને બીજી નોટિસ ફટકારી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. તેમજ સમયસર જવાબ ન મળતા મેળામાંથી પ્રતિબંધિત કરવાની ચેતવણી પણ આપી છે.

તંત્રએ નોટિસમાં શું લગાવ્યા આરોપ?
મૌની અમાવસ્યાના દિવસે જ્યારે સંગમ તટ પર લાખો લોકોની ભીડ હતી, ત્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. તંત્ર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મંજૂરી વગર પ્રતિબંધિત વિસ્તારમાં બગ્ગી ચલાવી હતી અને સુરક્ષા માટે મુકેલા બેરિયર પણ તોડી નાખ્યા હતા. જ્યાં વાહન લઈ જવાની મનાઈ હતી ત્યાં બગ્ગી લઈ જવાને કારણે મેળાની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આનાથી ત્યાં આવેલા લાખો લોકોની સુરક્ષા જોખમમાં મૂકાઈ હતી અને પોલીસને ભીડ સંભાળવામાં ખૂબ તકલીફ પડી હતી.‘
શંકરાચાર્ય’ પદ અંગે પણ સવાલ
મેળા પ્રશાસને નોટિસમાં સ્વામીજીના પદ અંગે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તંત્રએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાને ‘શંકરાચાર્ય’ ગણાવીને મેળામાં ઠેર-ઠેર બોર્ડ અને બેનરો લગાવી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના શંકરાચાર્ય પદના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે. તંત્રનું માનવું છે કે કોર્ટના આદેશ છતાં આ રીતે પદનો પ્રચાર કરવો એ સીધી રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને અવમાનના(Contempt of Court) સમાન છે. આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રએ તેમની સામે કડક વલણ અપનાવ્યું છે.સમર્થકોમાં ભારે રોષ: ‘બદલાની ભાવનાથી કાર્યવાહી’
પ્રશાસનની આ કાર્યવાહીથી સ્વામીજીના ભક્તો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજ સરકારે ગંભીર આક્ષેપ કર્યો છે કે સરકાર બદલાની ભાવના રાખીને આ બધું કરી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે તંત્રએ નિયમોનું ઉલ્લંઘન કરીને જૂની તારીખની(બેક ડેટ) નોટિસ ચોરીછૂપીથી પાછળના ભાગે ચોંટાડી દીધી છે, જે બિલકુલ યોગ્ય નથી.
નોટિસનો જવાબ આપવાની તૈયારી
હાલમાં સ્વામીજીના પક્ષ તરફથી આ નોટિસનો જવાબ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં તંત્રને સોંપવામાં આવશે. જો તંત્ર આ જવાબથી સંતુષ્ટ નહીં થાય, તો સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની જમીન અને તમામ સરકારી સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેમને મેળામાંથી બહાર પણ કરવામાં આવી શકે છે.
