ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તથા સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. માઘ મેળામાં પાલખી સાથે સ્નાન મુદ્દે સંતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી શંકરાચાર્ય સતત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. એવામાં ગઇકાલે રાત્રે ફરીથી પ્રયાગરાજમાં ભારે હોબાળો સર્જાયો હતો.

શંકરાચાર્યના શિબિરની બહાર ભારે હોબાળો
પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-4માં શંકરાચાર્યના શિબિરની બહાર શનિવારે રાત્રિના સમયે અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો. આરોપ છે કે કેટલાક લોકો ત્યાં લાઠી અને દંડા સાથે આવ્યા અને નારાબાજી કરવા લાગ્યા. જે બાદ માહોલ તનાવપૂર્ણ થઈ ગયો હતો. શિબિરમાં હાજર સેવકોએ નારાબાજી કરી રહેલા લોકોને બહાર કાઢ્યા. ત્યાં હાજર લોકોનો દાવો છે કે પરિસ્થિતિ એવી તનાવપૂર્ણ હતી કે વાત મારામારી સુધી પહોંચી જાય તેમ હતી.
સુરક્ષા વધારવા તથા FIR નોંધવા માંગ
સમગ્ર મામલે શંકરાચાર્યના શિબિર તરફથી તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. તથા અજ્ઞાત લોકો વિરુદ્ધ FIR દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. શિબિરની આસપાસ સુરક્ષામાં વધારો કરવા પણ માંગ કરવામાં આવી છે.
શિબિર તરફથી કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના થશે તો તેના માટે પોલીસ તંત્ર જ જવાબદાર રહેશે.

