ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તળાવ અને સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવાના આદેશને પડકારતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. દશેરાની રજાઓ હોવા છતાં શનિવારે સવારે ખાસ બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી.

કોર્ટે મસાજિદ શરીફ ગોસુલબારા રાંવા બુઝુર્ગ અને મસ્જિદના મુતવલ્લી મિંજર તરફથી દાખલ કરાયેલી અરજીને નામંજૂર કરી હતી. જસ્ટિસ દિનેશ પાઠકની ખંડપીઠે અરજદારની અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે, ‘આ મામલે વૈકલ્પિક ઉપચાર (Alternative Remedy) ઉપલબ્ધ છે, જેનો સહારો લઈ શકાય છે.
રજાના દિવસે ‘અર્જન્ટ સુનાવણી’ની માંગ
અકજદાર દ્વારા અરજી દાખલ કરીને રજાના દિવસે તાત્કાલિક ધોરણે (Urgent Basis) સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં મસ્જિદ, બારાત ઘર અને હોસ્પિટલને તોડી પાડવાના આદેશો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અરજીમાં તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું હતું કે, ધ્વસ્તીકરણ માટે જાણી જોઈને 2 ઑક્ટોબર (ગાંધી જયંતિ) અને દશેરાની રજાનો દિવસ પસંદ કરવામાં આવ્યો, જ્યારે બુલડોઝરની કાર્યવાહી દરમિયાન ભીડના કારણે કોઈ મોટી દુર્ઘટના કે બબાલ થવાની શક્યતા હતી.
તળાવની જમીન અને અતિક્રમણનો આરોપ
આ કાર્યવાહી પાછળ વહીવટી તંત્રનો આરોપ છે કે બારાત ઘર તળાવની જમીન પર બનાવવામાં આવ્યું છે, જ્યારે મસ્જિદનો અમુક ભાગ સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવ્યો છે.આ મામલે શુક્રવારે પણ સવા કલાક સુધી સુનાવણી ચાલી હતી, પરંતુ મસ્જિદ પક્ષને કોઈ વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે વધુ દસ્તાવેજો રજૂ કરવાના નિર્દેશ સાથે શનિવારે સવારે 10 વાગ્યે ફરી સુનાવણી કરવાનું કહ્યું હતું.
ગ્રામીણોએ ખુદ તોડી પાડી દીવાલ
સંભલના રાયાં બુઝુર્ગ ગામમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને દૂર કરવાનું કામ બીજા દિવસે શુક્રવારે પણ શરૂ હતું. વહીવટી તંત્રએ મસ્જિદને દૂર કરવા માટે ચાર દિવસનો સમય લીધો હતો, જેને મુસ્લિમ સમુદાયના લોકોએ પણ સ્વીકાર્યો હતો. જુમ્માની નમાઝ અદા કર્યા બાદ ગ્રામીણોએ ખુદ મસ્જિદી દીવાલ તોડવાનું શરૂ કરી દીધું હતું.

