NATIONAL : સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ

0
31
meetarticle

સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન  હતો.  દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી. 

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી  વધી ગયાં હતાં તો કેટલાક  પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા. સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ  ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને  આવવાનું  ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી. 

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી. 

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું  સર્વર  ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી.  ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું  સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું. 

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ચેન્નાઇ : ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું. 

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય  મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો  અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન  વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન  આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here