NATIONAL : સરકારને બખંબખાં : ડિસેમ્બરમાં રૂ.1.75 લાખ કરોડ GST

0
32
meetarticle

૨૦૨૬ના પહેલા જ મહિનામાં સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. ડિસેમ્બરમાં દેશનું કુલ જીએસટી કલેકશન ૬.૧ ટકા વધીને રૂ. ૧.૭૪ લાખ કરોડ થયું છે. આમ તેમા ગયા મહિનાની તુલનાએ ૬.૧ ટકાનો વધારો થયો છે. આ વધારો ટેક્સ કટના લીધે સ્થાનિક વ્યવહારોમાંથી થતી આવકમાં ઘટાડો થયો હોવા છતાં થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા ડિસેમ્બર ૨૦૨૪માં કુલ જીએસટી કલેકશન રૂ. ૧.૬૪ લાખ કરોડ થયું હતું. બીજી બાજુ  કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનાં ભાવમાં ૧૧૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક સ્તરે ઇંધણનાં ભાવને ધ્યાનમાં રાખી માસિક મૂલ્ય સંશેધનને અમલમાં મૂક્યો છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) એટલે કે વિમાન ઇંધણના ભાવમાં આજે ૭.૩ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે .

જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો અમલી આવ્યાના પ્રથમ મહિના નવેમ્બર ૨૦૨૫માં જીએસટી કલેકશન રૂ. ૧.૭૦ લાખ કરોડ રહ્યુ હતુ. ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સ્થાનિક વ્યવહારોથી કુલ આવક ૧.૨ ટકા વધીને રૂ. ૧.૨૨ લાખ કરોડથી વધારે થઈ હતી. જ્યારે આયાતી માલસામગ્રીનું મૂલ્ય ૧૯.૭ ટકા વધી રૂ. ૫૧,૯૭૭ કરોડ થયું હતું. આના કારણે કુલ જીએસટી આવક રૂ. ૧.૭૪ લાખ કરોડ થઈ હતી. 

રિફંડ ૩૧ ટકા વધીને ડિસેમ્બરમાં રૂ. ૨૮,૯૮૦ કરોડ થયા હતા. જ્યારે ચોખ્ખું જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે બે ટકા વધી રૂ. ૧.૪૫ લાખ કરોડ થયું હતું. કેન્દ્રે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ૩૭૫ ચીજવસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો કર્યો હતો. તેના કારણે માલસામગ્રી વધુ સસ્તી થઈ હતી. સરકારે જીએસટી રેટને પણ રેશનલાઇઝ્ડ કરતાં ફક્ત બે જ દર પાંચ અને ૧૮ ટકાનો સ્લેબ જ રાખ્યો છે. આ પહેલા ૫,૧૨,૧૮ અને ૨૮ એમ ચાર સ્લેબ રાખ્યા હતા. જ્યારે ૪૦ ટકાનો અલગ સ્લેબ ફક્ત અલ્ટ્રા લક્ઝરી ચીજવસ્તુઓ અને સીન ગૂડ માટે છે. 

ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મનીએ જણાવ્યું હતું કે સરકારે કરેલા દર ઘટાડાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિના દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે. તેમણે તે વાત ચિંતાજનક ગણાવી હતી કે દિલ્હી, હિાર, મધ્યપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ સહિત ૧૭ રાજ્યોએ જીએસટી કલેકશનમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને હરિયાણાએ એક અંકી દરમાં વૃદ્ધિ નોંધાવી હતી. બહુ ઓછા રાજ્યોએ હકારાત્મક વૃદ્ધિદર નોંધાવ્યો હતો.  ગ્રાન્ટ થોર્નટનના ભારત પાર્ટનર એન્ડ ટેક્સ કોન્ટ્રોવર્સી મેનેજમેન્ટ લીડરના મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને હરિયાણાના મજબૂત પ્રદાનના કારણે આવકમાં વૃદ્ધિ જળવાયેલી રહી હતી. 

દરમિયાનમાં સરકારી માલિકીના ઇંધણ રિટેલરોના જણાવ્યા અનુસાર દિલ્હીમા એક કિલોલીટર એટીએફનો ભાવ ૭૩૫૩ રૂપિયા (૭.૩ ટકા) ઘટીને ૯૨,૩૨૩ રૂપિયા થયો છે. આ અગાઉ સળંગ ત્રણ મહિને એટીએફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

આ અગાઉ એક ડિસેમ્બરે એક કિલોલીટર એટીએફના ભાવમાં ૫૧૩૩ રૂપિયા (૫.૪ ટકા)નો વધારો કરવામાં આવ્યો હતો. તેની પહેલા એક નવેમ્બરે ૧ ટકા તથા ૧ ઓક્ટોબરે ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 

એટીએફના ભાવ ઘટવાને કારણે એરલાઇન્સના આર્થિક બોજમાં ઘટાડો થશે કારણકે એરલાઇનના કુલ ખર્ચ પૈકી ૪૦ ટકા ખર્ચ ઇંધણ પાછળ થાય છે. 

બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૧૧ રૂપિયા વધીને ૧૬૯૧.૫૦ રૂપિયા થઇ ગયો છે. 

સળંગ બે મહિને ઘટાડો કરવામાં આવ્યા પછી ચાલુ મહિને કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જૂન પછી કોમર્શિયલ એલપીજીનો ભાવ મહત્તમ સ્તરે પહોંચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખી એટીએફ અને એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. 

પેટ્રોલ અને ડીઝલ તથા ડોમેસ્ટિક એલપીજીના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here