કેન્દ્રીય મંત્રીમેંડળે યુજીસી અને એઆઇસીટીઇ જેવી સંસ્થાઓનું સ્થાન લેનારા ઉચ્ચ શિક્ષણ રેગ્યુલેટરની સ્થાપના કરવાના બિલને મંજૂરી આપી હતી તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

પ્રસ્તાવિત કાયદા જેને અગાઉ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ (એચઇસીઆઇ) બિલ નામ આપવામાં આવ્યું હતું તેને હવે વિકાસ ભારત શિક્ષા અધિકાર બિલ નામ આપવામાં આવ્યું છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)માં જે સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી), ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજયુકેશન (એનસીટીઇ)નું સ્થાન લેશે.ઉલ્લેખનીય છે કે હાલમાં યુજીસી નોન ટેકનિકલ હાયર એજયુકેશનનું નિરીક્ષણ કરે છે જ્યારે એઆઇસીટીઇ ટેકનિકલ શિક્ષણનું નિરીક્ષણ કરે છે અને એનસીટીઇ શિક્ષકોના શિક્ષણ માટેની નિયમનકારી સંસ્થા છે.
કેન્દ્રીય મંત્રીમંડળે કાયદા પુસ્તકોમાં જે કાયદાઓની ઉપયોગિતા સમાપ્ત થઇ ગઇ છે તેવા ૭૧ કાયદાઓને રદ કરવા માટેના બિલને મંજૂરી આપી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ૭૧ કાયદાઓમાંથી ૬૫ મુખ્ય કાયદાઓમાં સુધાર છે જ્યારે છ મુખ્ય કાયદા છે.
સરકારે ૨૦૨૬ માટે મિલિંગ કોપરા માટે ટેકાના ભાવમાં ૪૪૫ રૃપિયા વધારી રૃ. ૧૨,૨૦૭ પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. આ નિર્ણય નારિયેળ ઉગાડનારાઓને સારુ વળતર આપવા અને નારિયેળની વધતી માંગને પૂર્ણ કરવા ઉત્પાદન વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. બોલ કોપરાનો ટેકાનો ભાવ રૃ. ૪૦૦ વધારી રૃ. ૧૨,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.
