રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૩માં સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલ ૨૦૦૦ રૃપિયાની ચલણી નોટ હજુ સુધી ૧૦૦ ટકા પરત આવી નથી.

૨૦૨૫ના અંત સુધીના આંકડા પછી આરબીઆઇએ જણાવ્યું છે કે હજુ પણ ૫૦૦૦ કરોડ રૃપિયાથી વધુની ર૦૦૦ રૃપિયાની નોટો પરત આવી નથી. એટલે કે આટલી રકમની નોટો હજુ પણ લોકો પાસે ઉપલબ્ધ છે.
નોટો પરત લેવાની સુવિધા અપાઇ હોવા છતાં નોટો જમા કરાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઇ છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૃપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તે સમયે બજારમાં ૩.૫૬ લાખ કરોડ રૃપિયાની ૨૦૦૦ની નોટ બજારમાં ઉપલબ્ધ હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી કુલ ૯૮.૪૧ ટકા નોટો પરત આવી છે. હજુ પણ લોકો પાસે ૫૬૬૯ કરોડ રૃપિયાની ૨૦૦૦ની નોટો પડી છે.સરકારે નોટ પરત લેવાનો નિર્ણય લીધો તે સમયે આ નોટો જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી હતી. જો કે ત્યારબાદ આ પ્રક્રિયાની ઝડપ ઘટી ગઇ હતી.
૩૧ ઓક્ટોબરે, ૨૦૨૫ના રોજ બજારમાં ૫૮૧૭ કરોડની ૨૦૦૦ની નોટો બજારમાં ઉપલબ્ધ હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૫૬૬૯ કરોડની ૨૦૦૦ની નોટો બજારમાં ઉપલબ્ધ હતી.એટલે કે છેલ્લા બે મહિનામાં ફક્ત ૧૪૮ કરોડ રૃપિયાની ૨૦૦૦ની નોટ જમા કરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલ ર૦૦૦ રૃપિયાની નોટ સંપૂર્ણપણે પરત આવતી નથી ત્યાં સુધી લિગલ ટેન્ડર બની રહેશે.
આરબીઆઇએ નવેમ્બર, ૨૦૧૬માં ૨૦૦૦ રૃપિયાની નોટ રજૂ કરી હતી. આરબીઆઇના ૧૯ ક્ષેત્રીય કાર્યાલયોમાં હજુ પણ ૨૦૦૦ રૃપિયાની નોટ પરત આપી શકાય છે.
