ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ બાદ હવે હરિયાણામાં પૂરની સ્થિતિ છે. હરિયાણામાં વરસાદની ઘટનામાં વધુ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું હતંધ કે ભારે વરસાદને પગલે ઘર તુટી પડતા આ જાનહાની થઇ હતી. તમામ મૃતકોના પરિવારને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય અપાઇ રહી છે.

હરિયાણામાં જાનહાનીની આ ઘટનાઓ ફતેહાબાદ, ભિવાની અને કુરુક્ષેત્રમાં સામે આવી હતી. ગત સપ્તાહે જ ભિવાનીમાં ત્રણ યુવતીઓના મોત નિપજ્યા હતા. આ વખતે પણ મકાન તુટી પડતા મોટી જાનહાની સામે આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં થોડા દિવસોની રાહત બાદ હવે ફરી વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે મંગળવારે દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે. જોકે કોઇ પણ પ્રકારની ચેતવણી જારી કરવામાં નથી આવી.
સૈન્ય દ્વારા હાલમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
ભારતીય સૈન્યના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા ઓપરેશન રાહત લોન્ચ કરવામાં આવ્યું છે. સૈન્ય આ ઓપરેશન હેઠળ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે પૂર પ્રભાવિત વિસ્તારોમાં અનેક લોકોનો જીવ બચાવી ચુક્યું છે.
૫૯ આર્મી કોલમ, ૧૭ એન્જિનીયર ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સૈન્યની મદદથી આશરે ૧૩૦૦૦ લોકોને સારવાર મળી ચુકી છે. હાલમાં પંજાબમાં સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં રાહતની કામગીરી કરવામાં આવી રહી છે.
પંજાબમાં છેલ્લાં ૧૩ દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અમૃતસરના આર્યા ગામમાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે નુકસાન થયું છે.. ખેડૂત ગુરભેત સિંહ જેવા ખેડૂતોએ પોતાની ૮૦ એકર જમીન પરનો ૧૦૦ ટકા પાક ગુમાવ્યો છે.

